Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

૧૦ હજાર જેટલા ઈનસર્વીસ તબીબોને સરકાર લેણા ૨૨૫ કરોડ ચૂકવશે

અમદાવાદ, તા. ૨૨ :. રાજ્યભરના ઈનસર્વિસ ડોકટર્સના બાકી નિકળતા રૂ. ૨૨૫ કરોડના લેણાની રકમ ચુકવવા સરકારે તૈયારી બતાવી છે. વર્ષ ૨૦૦૪થી તબીબોના હક્કના લેણા નિકળતા નાણા સરકાર નહીં આપતી હોવાથી તબીબોએ કાનૂની જંગ છેડયો હતો. આ અંગે સોમવારે ઈનસર્વિસ એસોસીએશનનું પ્રતિનિધિ મંડળ નિતીન પટેલને મળવા ગયા હતા. ફેડરેશનના પ્રતિનિધિ ડો. મહેશ કાપડિયાએ રજુઆત કરી હતી. મંત્રી સાથેની ચર્ચા બાદ તબીબોને તેના બાકી નિકળતા નાણા ચુકવવા નાણામંત્રી નિતીન પટેલે નાણા વિભાગને સૂચના આપી છે. આ નિર્ણયથી આશરે ૧૦ હજાર જેટલા તબીબોને દોઢથી ત્રણ લાખ સુધીના નાણા મળશે. જો કે તબીબોએ ૧૪ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ પણ બાકી નિકળતા લેણા પર વ્યાજની રકમ જતી કરી હતી.

ઈનસર્વિસ ડોકટર્સના પ્રતિનિધિને લાંબા સમયથી સરકાર દ્વારા ડીએ મર્જરનો લાભ નહી મળતા તબીબોના ફેડરેશન દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. તા. ૧-૪-૨૦૦૪થી તા. ૩૧-૩-૨૦૦૯ના સમયગાળા દરમ્યાન તબીબોને ડીએ મર્જરનો સરકારે લાભ આપ્યો નહોતો જેને લીધે દરેક તબીબને દોઢથી ત્રણ લાખ સુધીના લેણા અટકી ગયા હતા. સરકારે સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવતા તબીબોના મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં ભૂલ કરી હોવાથી તબીબોના મૂળ પગારમાં ઘટાડો થઈ ગયો હતો. વર્ષ ૨૦૦૪થી ૨૦૦૯ સુધી સરકારે મોંઘવારી ભથ્થા અને નોન પ્રેકટીશ એલાઉન્સની ગણતરી ખોટી રીતે કરી હોવાથી તબીબોનો પગાર ઘટી ગયો હતો. કોર્ટે તબીબોને બાકી નિકળતા તમામ નાણા ચૂકવી દેવા આદેશ કરાયો હતો. જો કે આ અંગે હાઈકોર્ટમાં થયેલી કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજી હાઈકોર્ટમાં પડતર છે.

(12:47 pm IST)