Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

માછીમારીની સીઝન આ વખતે અેક મહિનો વહેલી પૂર્ણ થઇ જતા હજારો માછીમારો બેકારઃ દસ હજારથી વધુ બોટ કિનારે લાંગરી દેવાઇ

માછીમારીની સીઝન આ વખતે અેક મહિનો વહેલી પૂર્ણ થઇ જતા હજારો માછીમારો બેકારઃ દસ હજારથી વધુ બોટ કિનારે લાંગરી દેવાઇ

અમદાવાદઃ ગુજરાતના દરિયામાં માછલીઓ ખૂટી પડી છે. આ વખતે માછીમારીની સિઝન એક મહિનો વહેલી પૂર્ણ થઈ જતા હજ્જારો માછીમારો બેકાર બની ગયા છે. ગુજરાતના દરિયામાં માછીમારી કરવા ગયેલી ૧૦ હજારથી વધુ બોટ એક-દોઢ મહિનો વહેલી કિનારે પરત ફરી ગઈ છે. ગુજરાતમાં ૧૬૦૦ કિ.મી. લાંબો વિશાળ દરિયા કિનારો આવેલો છે. આ કિનારેથી હજ્જારો માછીમારો દરિયામાં જઈને માછીમારી કરીને રોજગારી મેળવે છે. છેલ્લા અડધા દશકાથી આડેધડ થઈ રહેલી માછીમારી અને ગ્લોબોલ વોર્મિંગ જેવી અસરના કારણે દરિયામાં માછલી ખૂટવા માંડી છે.

મળતી વિગતો અનુસાર ૧પ ઓગષ્ટથી માછીમારીની સીઝન શરૃ થાય છે. આ સિઝન ૧૦ જૂન સુધી ચાલે છે. તેના બદલે આજની સ્થિતિએ મોટાભાગની માછીમારી બોટ દરિયામાંથી પરત આવી ગઈ છે. માછીમાર આગેવાન જમનાદાસ વંદુર કહે છે કે, રપ ટકા બોટ તો સંક્રાંત સમયે જ પરત આવી ગઈ હતી. જ્યારે ૩૦ ટકા બોટ હોળીના સમયે પરત ફરી હતી. બાકીની લગભગ બોટ માર્ચ માસથી દરિયામાંથી બહાર નિકળી ગઈ છે. ગુજરાતના દરિયામાં માછીમારી કરતી ૧૦ હજારથી વધુ બોટમાંથી હાલ માંડ બે-ચાર ટકા બોટ માછીમારી કરતી હશે ! માછીમારીની સિઝન નિયત સમય કરતા દોઢ-બે માસ વહેલી પુરી થઈ ગઈ છે. માછલીઓનું ઉત્પાદન દર વખતની સરખામણીએ ૩૦ ટકા જેટલુ માંડ થયુ છે. તેની સામે ભાવમાં પણ ફટકો લાગ્યો છે. માછલીના પુરતા ભાવ બજારમાં મળતા નથી. દરિયામાં માછીમારી જતી એક બોટની ટ્રીપ સામાન્ય રીતે ૧પથી ર૦ દિવસની હોય છે. આ ટ્રીપના ખર્ચ અંગે ભાજપના માછીમાર સેલના પ્રદેશ કન્વીનર વેલજીભાઈ મસાણીના જણાવ્યા અનુસાર એક ટ્રીપનો ખર્ચ સાડા ત્રણેક લાખ રૃપિયા ઓછામાં ઓછો થાય છે. જેમાં ડીઝલ કે કેરોસીન, રાશન, કર્મચારીઓનો પગાર, બરફ વગેરેના ખર્ચનો સમાવેશ થાય છે. તેની સામે આ વખતે દરેક ટ્રીપમાં માછીમારોને સરેરાશ માત્ર રૃ.૬૦-૭૦ હજારની આવક માંડ થઈ છે. દરિયામાં માછલીઓ ન મળતી હોવાથી માછીમારોની હાલત ખુબ જ કફોડી બની ગઈ છે. બોટ માલિકો દેવાના ડૂંગર તળે દબાઈ ગયા છે.

(7:31 pm IST)