Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કોબા હાઇવે પર દૂધ ભરેલ ટેન્કર કાર સાથે અથડાતા ચાર યુવાનને ઇજા

ગાંધીનગર:કોબા હાઈવે ઉપર ભાઈજીપુરા પાટીયા પાસે ગઈકાલે રાત્રે દૂધ ભરેલું ટેન્કર પસાર થઈ રહયું હતું તે દરમ્યાન ભાઈજીપુરાથી મુખ્ય માર્ગ ઉપર જતી કાર આ ટ્રક સાથે અથડાતાં તેના બે ટુકડા થઈ ગયા હતા અને ટ્રક નીચે કાર દબાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘાયલ થયેલા ચાર યુવાનોને મહામુસીબતે બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યા હતા.આ સંદર્ભે ઈન્ફોસીટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર શહેર નજીક કોબા હાઈવે માર્ગ ઉપર ભાઈજીપુરા પાટીયા પાસે ચાર રસ્તા હોવા છતાં સર્કલ બનાવવામાં નહીં આવતાં અહીં અવારનવાર અકસ્માતની મોટી ઘટનાઓ બની રહી છે પરંતુ તંત્ર આ મામલે કોઈ પગલાં ભરતું નથી. ગઈકાલે રાત્રીના સમયે આ માર્ગ ઉપરથી પસાર થઈ રહેલી દૂધ ભરેલી ટ્રકની અડફેટે મુખ્ય માર્ગ ઉપર આવવા માંગતી કાર આવી ગઈ હતી.

જેમાં ટક્કર એટલી જોરદાર હતી કે આ કારના બે ટુકડા થઈ ગયા હતા અને તે ટ્રકની નીચે દબાઈ ગઈ હતી. કારમાં સવાર ચાર યુવાનોને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી અને મહામુસીબતે આ યુવાનોને બહાર કાઢીને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

(5:32 pm IST)