Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ઈડરના ભદ્રેસર નજીક ગુહાઇ ડેમમાં ડૂબી જતા વિદ્યાર્થીનું કરુણ મોત

ઈડર:ના ભદ્રેસર નજીક ગુહાઇ ડેમના ઊંડા પાણીમાં ડુબી જતાં ધોરણ-૮માં ભણતા ૧૪ વર્ષિય વિદ્યાર્થીનું કરૃણ મોત નિપજ્યું હતું. આ વિદ્યાર્થી અન્ય મિત્રો સાથે ભદ્રેસરથી સાબલી મહાકાલી માતાના દર્શન કરવા જતો હતો. આ અંગે જાદર પોલીસે અકસ્માતે મોત (એ.ડી.)ની ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.
ભદ્રેસર ગામે રહી ધોરણ-૮માં ભણતો નરેન્દ્રસિંહ રજુસિંહ મકવાણા (ઉ.વ. ૧૩) નામનો વિદ્યાર્થી આજે રવિવાર હોવાથી અન્ય મિત્રો સાથે મળી ભદ્રેસરથી સાબલી મહાકાલી માતાના દર્શન કરવા માટે નિકળ્યો હતો. દરમિયાન રસ્તામાં આવતા ભેંસકા નદીના ગુહાઇ ડેમના પાણીમાંથી નીકળવા જતાં, પાણી ઊંડુ હોવાથી આ વિદ્યાર્થી ડુબવા લાગ્યો હતો. સાથી મિત્રને ડુબતો જોઇ અન્ય મિત્રોએ બુમાબુમ કરી હતી પરંતુ કોઇ મદદ મળે તે પહેલાં જ વિદ્યાર્થી ડેમના ઊંડા પાણીમાં  ગરકાવ થઇ ગયો હતો.
બાદમાં આજુબાજુ અને ગામમાંથી દોડી આવેલા લોકો પૈકી, કોઇકે ઈડર ફાયર બ્રિગેડને કોલ આવતાં, ફાયરની ટીમ પણ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ફાયરના જવાનોએ ભારે શોધખોળ બાદ વિદ્યાર્થીના મૃતદેહને ડેમના ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યો હતો.આ ઘટનાને પગલે મકવાણા પરિવાર સહિત ભદ્રેસર ગામમાં શોકનું  મોજુ ફરી વળ્યું હતું.

(5:30 pm IST)