Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

JEE એડવાન્સ : દેશભરથી ૧.૬૪ લાખ વિદ્યાર્થી હાજર

૧૨ લાખમાંથી ૨.૩૧ લાખ ક્વોલિફાય થયા : ગુજરાતમાંથી પણ ૫ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર

અમદાવાદ,તા. ૨૦ : આઈઆઈટી જેવી દેશની નેશનલ ઈન્સ્ટીટ્યુટમાં ડિગ્રી એન્જિનિયરીંગમાં પ્રવેશ માટે આજે જેઈઈ એડવાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે લેવામાં આવેલી પરીક્ષામાં ૧.૬૪ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, અગાઉ લેવામાં આવેલી જેઈઈની પરીક્ષામાં ૧૨ લાખ વિદ્યાર્થીઓમાંથી જેઈઈ એડવાન્સ માટે ૨.૩૧ લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા હતા. આજે યોજાયેલી પરીક્ષામાં ગુજરાતમાંથી પણ પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ૨.૩૧ લાખ વિદ્યાર્થીઓ જે ક્વોલિફાય થયા હતા તે પૈકી ૬૫ હજાર વિદ્યાર્થીઓએ રસ દર્શાવ્યો ન હતો. આજે ઓનલાઇન પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષાના સેન્ટરોમાં કમ્પ્યુટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રથમ પેપર સવારે ૯ વાગ્યાથી ૧૨ વાગ્યાની વચ્ચે યોજવામાં આવ્યું હતું. જ્યારે બીજુ પેપર ૨ થી ૫ વાગ્યામાં લેવામાં આવ્યું હતું. પરીક્ષાનુ પરિણામ ૧૦ જુનના દિવસે જાહેર કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, દેશભરમાંથી ૧૯ આઈઆઈટીમાં ૧૭૦૦૦ બેઠકો રહેલી છે. જેથી પરીક્ષામાં ખુબ જ ઉંચ્ચ લેવલ સુધી મેરિટ બનશે તેવું માનવામાં આવે છે. આજે પરીક્ષા લેવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં ખુબ જ ઉત્સકુત્તા દેખાઈ હતી. પેપરને લઈને વિદ્યાર્થીઓ વાતચીત કરતા પણ નજરે પડ્યા હતા. ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ એડવાન્સ માટે જે વિદ્યાર્થી ક્વોલિફાય થયા હતા તેમાંથી પણ ૬૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ રસ દર્શાવ્યો ન હતો. અમદાવાદના સેન્ટરો પર પરીક્ષાનું આયોજન કરાયું હતું.

(9:31 pm IST)