Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ગુજરાતમાં કોવિડ - ૧૯ ની સ્થિતિને લઈને માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં ધોરણ વાઇઝ અલગ અલગ સિસ્ટમ થી રિઝલ્ટમાં નોંધ થશે

ધો. ૧ થી ૨ માં વિદ્યાર્થીઓની માર્કશીટ માં વર્ગ બઢતી, ધો. ૩ થી ૭ ની માર્કશીટ માં ગ્રેડ દર્શાવાશે જ્યારે ધો. ૮ ની માર્કશીટ માં ગન અને ગ્રેડ બને દર્શાવાશે

ગાંધીનગર: રાજ્યમાં કોવિડ-19ની પરિસ્થિતિને લઈને ગુજરાત સરકાર દ્વારા ધોરણ-1થી 9 અને 11માં માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. જયારે ધો.10 અને 12ની પરીક્ષા સ્થગિત રાખવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય બાદ જીસીઈઆરટી દ્વારા ધોરણ-1થી 8ના પરિણામને લઈને કેટલીક સુચનાઓ જારી કરી છે. તે મુજબ ધોરણ-1 અને 2ના વિદ્યાર્થીઓની માર્કશીટમાં વર્ગ બઢતી લખાશે. જયારે ધોરણ-3થી 8ના વિદ્યાર્થીઓનું વિષય દીઠ 100 ગુણનું મુલ્યાંકન આધારે પરિણામ તૈયાર કરાશે. પરિણામ તૈયાર કરવા માટે શિક્ષકો દ્વારા થયેલા અનૌપચારિક મુલ્યાંકન અને સામયિક કસોટીનો આધાર લેવામાં આવશે. ધોરણ-3થી 7ના વિદ્યાર્થીઓની માર્કશીટમાં ગ્રેડ દર્શાવવામાં આવશે. જ્યારે ધોરણ-8ની માર્કશીટમાં ગુણ અને ગ્રેડ બંને દર્શાવાશે. જોકે, વર્ષ દરમિયાન કોઈ વિદ્યાર્થી શિક્ષણ પ્રક્રિયા કે મુલ્યાંકનમાં જોડાયો ન હોય તેની માર્કશીટમાં વર્ગ બઢતી એમ દર્શાવવામાં આવશે.

રાજ્યમાં ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન કોવિડ-19ના પગલે પ્રત્યક્ષ શિક્ષણ અને પધ્ધતિસરનું ઔપચારિક મુલ્યાંકન ખુબ જ ઓછું થયું હતું. જેને નજર સમક્ષ રાખીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. વિદ્યાર્થીઓ ઘરે રહીને શીખી શકે એ માટે હોમ લર્નિંગ અંતર્ગત વિવિધ માધ્યમો દ્વારા અને શિક્ષકો દ્વારા પણ શિક્ષણ કાર્ય તેમજ અનૌપચારિક મુલ્યાંકન કાર્ય થયું છે. જેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવા માટે ગુજરાત શૈક્ષણિક, સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા સુચનાઓ બહાર પાડવામાં આવી છે.

માર્કશીટ તૈયાર કરવાની સુચનામાં જણાવાયું છે કે, ધોરણ-1 અને 2ના વિદ્યાર્થીઓની માર્કશીટમાં વિદ્યાર્થીના નામ સામે વર્ગ બઢતી એમ દર્શાવવું, અન્ય કોઈ વિગતો દર્શાવવાની જરૂર ન હોવાનું જણાવાયું છે. ધોરણ-3થી 8માં મુખ્યત્વે શિક્ષક દ્વારા થતાં રચનાત્મક મુલ્યાંકન આધારીત માર્કશીટ તૈયાર કરવાની રહેશે. આ માટે હોમ લર્નિંગ અંતર્ગત શિક્ષક દ્વારા થયેલા અનૌપચારીક મુલ્યાંકન તેમજ વર્ષ દરમિયાન યોજાયેલી સામયિક કસોટીઓ વગેરેનો આધાર લઈ શકાશે. ધોરણ-3થી 8માં સત્રવાર રચનાત્મક મુલ્યાંકનમાં દરેક વિદ્યાર્થીનું 40+40 એમ 80 ગુણનું મુલ્યાંકન થશે. આ ઉપરાંત વર્ષ દરમિયાન હોમ લર્નિંગ અંતર્ગત વિદ્યાર્થીની સહભાગિતાને ધ્યાનમાં લઈને વર્ષાન્તે 20 ગુણ પૈકી ગુણાંકન કરવાનું રહેશે. આમ, દરેક વિદ્યાર્થીનું 100 ગુણનું ગુણાંકન થશે.

ધોરણ-4માં હિન્દી અને અંગ્રેજી વિષયમાં માત્ર દ્વીતીય સત્રમાં રચનાત્મક મુલ્યાંકનના 40 ગુણ અને વિદ્યાર્થીઓની સહભાગિતાના 20 ગુણ મળી વિષય દીઠ 60 ગુણમાંથી ગુણાંકન કરાશે. આમ, વર્ષના અંતે તૈયાર થનારી માર્કશીટમાં ધોરણ-3ના કુલ ગુણ 300, ધોરણ-4માં કુલ ગુણ 420, ધોરણ-5માં કુલ ગુણ 500, ધોરણ-6માં કુલ ગુણ 700, ધોરણ-7માં કુલ ગુણ 700 અને ધોરણ-8માં કુલ ગુણ 700ના આધારે માર્કશીટ તૈયાર કરવામાં આવશે. ધોરણ-3થી 7ના વિદ્યાર્થીઓની માર્કશીટમાં ગ્રેડ દર્શાવવામાં આવશે. જ્યારે ધોરણ-8ની માર્કશીટમાં ગુણ અને ગ્રેડ બંને દર્શાવવામાં આવશે.

જો, કોઈ વિદ્યાર્થી ધોરણ-3થી 8ની શિક્ષણ પ્રક્રિયા કે મુલ્યાંકનમાં ન જોડાયા હોય તો તે વિદ્યાર્થીની માર્કશીટમાં વર્ગ બઢતી એમ દર્શાવવાનું રહેશે. તેમાં ગુણાંકન કરવાની જરૂરીયાત ન હોવાનું પણ સુચન કરાયું છે. રાજ્યમાં ધોરણ-5 અને ધોરણ-8માં નાપાસ કરવાની જોગવાઈ અમલમાં છે. પરંતુ આ વખતે સરકારે કોરોનાના પગલે માસ પ્રમોશનની જાહેરાત કરી છે ત્યારે ધોરણ-5 અને 8માં પણ પરિણામને ધ્યાને લીધા વગર વિદ્યાર્થીને વર્ગ બઢતી આપવાની રહેશે તેમ જણાવાયું છે. આમ, ધોરણ-3થી 8માં સરકાર દ્વારા માસ પ્રમોશન જાહેર કરાયું છે પરંતુ વિદ્યાર્થીઓની માર્કશીટમાં ગ્રેડ લખીને આપવામાં આવશે.

(9:03 pm IST)