Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

કોરોના સ્થિતિમાં લગ્ન પ્રસંગોમાં ભીડ ઍકઠી ન થાય તે માટે બનાસકાંઠામાં કંટ્રોલરૂમ કાર્યરતઃ ૧૪ તાલુકા ઉપર મામલતદારની ટીમો નજર રાખશે

બનાસકાંઠા: બનાસકાંઠામાં સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા પહેલો એવો જિલ્લો છે જેણે સ્વૈચ્છિક લોકડાઉનથી લઈને અનેક કડક નિયમો બનાવ્યા છે. જેથી કોરોનાને ડામી શકાય. ત્યારે કોરોનાની ગાઈડલાઈન બનાવીને પાલન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે બનાસકાંઠામાં લગ્ન પ્રસંગો પર ભીડ એકઠી ન થાય તે માટે કન્ટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

14 તાલુકા પર મામલતદારોની ટીમ નજર રાખશે

બનાસકાંઠામાં સામાજીક પ્રસંગોએ ભીડ એકત્ર ન થાય તે માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. 14 તાલુકાઓ પર મામલતદારોની ટીમની બાજ નજર રહેશે. લગ્નસરાની સીઝન દરમ્યાન કોવિડ ગાઈડલાઈન અમલ માટે તંત્ર મક્કમ બન્યું છે. લગ્ન કે અન્ય પ્રસંગોમાં 50 થી વધુ લોકો એકત્ર થાય તો જાણ કરવા તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ છે.

પ્રભારી વિજય નહેરા પાલનપુર પહોંચ્યા

બનાસકાંઠા જિલ્લામા કોરોના દર્દીઓના મોતને લઈ પ્રભારી વિજય નહેરા પાલનપુર પહોંચ્યા છે. તેમણે જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન વિના ગઈ કાલે દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. ત્યારે ઓક્સિજન સપ્લાયને લઈ તંત્રની દોડધામ ન થાય તે માટે આ બેઠક યોજાઈ હતી.  બેઠકમાં કલેક્ટર સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગઈકાલે ઓક્સિજનની અછતથી 10 દર્દીના મોત નિપજ્યા

બનાસકાંઠામાં ગઈકાલે ઓક્સિજનની કમી સર્જાવાની ઘટના સામે આવી હતી. પાલનપુરની બનાસ કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે નવો ઓક્સિજન પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટ તેની જાતે જ કલાકના 28 કિલો ઓક્સિજન ઉત્પન્ન કરી રહ્યો છે. ઓક્સિજન પ્લાન્ટમાંથી પાઇપલાઇન દ્વારા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પાલનપુરની કોવિડ -19 હોસ્પિટલમાં ઓક્સિજનની કોઈ અછત નહિ રહે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે બનાસકાંઠામાં ઓક્સિજનની અછતના કારણે જિલ્લામાં 10 લોકોના મોત નિપજ્યા હતા.

(4:25 pm IST)