Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ખાનગી શાળા-કોલેજોના ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ફી રાહત આપો

મુખ્યમંત્રીને કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીનો પત્ર

રાજકોટ,તા. ૨૨:કોરોના મહામારીમાં ખાનગી શાળા-કોલેજોમાં અભ્યાસ કરતાં સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકોના પરીવારને ફીમાં રાહત આપવા કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

આ અંગે મનિષ દોશીએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતુ કે  કોવિડ-૧૯નો ચેપ બાળકોમાં ન લાગે તે હેતુથી ૧૫મી માર્ચ ૨૦૨૦ થી શાળાઓ બંધ કરવાના આદેશો આપવામાં આવેલ જેને આજે એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. અમુક શાળા સંચાલકોએ તો અનુકૂળતા મુજબ ઓનલાઈન શિક્ષણ આપ્યું છે. કોરોના મહામારીનો હાલમાં સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. આવા કપરા સમય અને કોવિડનો સામનો કરવા રાજયના દરેક નાગરિકો અને દરેક રાજકીય પક્ષો પણ ઝઝુમી રહ્યા છે અને જે કાંઈ મદદરૂપ થઈ શકાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. તે સરકારની નજરતળે કોરોના મહામારીના સમયમાં ખાનગી શાળાઓને ફી રેગ્યુલેટરી કમિટિએ નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે તોતિંગ ફી વધારા સાથે ફી મંજૂર કરવાની કાર્યવાહી પુર્ણ કરવા આગળ વધી રહી છે.

વધુમાંશ્રી દોશીએ જણાવ્યુ હતુ કે,  ૧૫મી માર્ચ ૨૦૨૦થી શાળા-કોલેજો બંધ કરવામાં આવેલ છે, આગામી સમયમાં શાળા-કોલેજો કયારે શરૂ થશે તે અનિશ્યિતતા છે. બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કોવિડ-૧૯ મહામારીમાં શાળા-કોલેજો સૌથી પહેલાં બંધ કરવામાં આવી છે અને સૌથી છેલ્લે શરૂ થશે તે સ્વાભાવિક છે. લાખો રૂપિયાની ફી ઉદ્યરાવતી ખાનગી શાળા-કોલેજમાં બાળકો અભ્યાસ કરવા જઈ શકવાના નથી. તેવા સંજોગોમાં આગામી શૈક્ષણિક વર્ષમાં કોઈ પણ ખાનગી શાળા સંચાલકોને કોઈ ફી વધારો મંજૂર ન કરવા સરકારે આદેશો કરવા અને કોરોના મહામારીમાં મધ્યમ અને નાના વર્ગના બાળકોના પરિવારને રાહત મળી રહે તે માટે બે કવાર્ટર (છ મહિના)ની ફી માફ થાય તે માટે વિશાળહિતમાં સંવેદનશીલ નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

(4:17 pm IST)