Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ભારતીય સંસ્કૃતિ મહાન છે કારણકે આમાં ભગવાનના અવતારો અને મૂર્તિ પૂજાને મહત્વ આપેલ છે. શા.માધવપ્રિયદાસજી સ્વામી

ઠાકોરજીને સૂવર્ણના પાત્રમાં પધરાવી, કેસર જળ અને દૂધનો અભિષેક કરી, SGVP ગુરુકુલમાં ઓન લાઇન ઉજવાયેલ શ્રીહરિ જન્મોત્સવ

અમદાવાદ તા.૨૨ બાર માસમાં ચૈત્રમાસ પવિત્ર ગણાય છે કારણ કે આ માસમાં ભગવાન રામ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના અવતાર થયા છે.

SGVP ગુરુકુલ પ્રાર્થના મંદિરમાં બિરાજીત રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજની સમીપે બપોર ૧૨ કલાકે ષોડશોપચાર પૂજન સાથે રામચંદ્રજી ભગવાનનો જન્મોત્સવ ઉજવાયો હતો. કોરોના મહામારીને કારણે સરકારી નિયમ પ્રમાણે માત્ર સ્થાનિક સંતો અને ભકતોની ઉપસ્થિતિમાં ઓન લાઇન ઉત્સવનું આયોજન થયું હતું.

તેજ રીતે રાતે ૧૦-૧૦ કલાકે SGVP ગુરુકુલ સંત આશ્રમમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજ સમીપે ઠાકોરજીને સુવર્ણના પાત્રમાં પધરાવી, કેસર જળ અને પંચામૃતથી અભિષેક કરી, SGVP ગુરુકુલમાં ઓન લાઇન ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શા. માધવપ્રિયદાસજી સ્વામીએ જન્મોત્સવનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે આજનો દિવસ મહાન છે કારણકે આજના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ થયા છે.

ભગવાનને પ્રગટ થવાનું એક સામાન્ય કારણ એ હોય છે અને તે અધર્મનો નાશ કરવો અને ધર્મનું સ્થાપન કરવું. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે, જ્યારે જ્યારે ધર્મની  ગ્લાનિ થાય છે અને અધર્મ વૃદ્ધિ પામે છે ત્યારે અને દુષ્ટોના વિનાશ માટે અને ધર્મના સ્થાપન માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું.અને ભગવાનને વિષે અત્યંત પ્રીતિવાળા ભકતોની ભકિતને આધિન થઇને, ભકતોને સુખ દેવા અર્થે ભગવાન, ભકતોની જેવી ઇચ્છા હોય તેવા રુપને ધારણ કરે છે અને ભકતોના જેવા મનોરથો હોય તે પુરા કરે છે. ભકતો સ્થૂળ ભાવે યુકત છે અને દેહ ધારી છે માટે ભગવાન પણ એના જેવા સ્થૂળ ભાવે સહિત દેહધારી થાય છે.

ભગવાન પોતાની સામર્થીને છુપાડીને ભક્ત સાથે પુત્રભાવે, સખાભાવે, મિત્રભાવે વર્તે છે. માટે પોતાના જે પ્રેમીભકત તેના મનોરથોને પુરો કરવા એજ ભગવાનના અવતાર ધર્યાનું પ્રયોજન છે. અને સાથે સાથે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે અને અધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરે છે.અંતમાં સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ રંગ બેરંગી ફુગ્ગાઓથી શણગારેલ સિંહાસનમાં બિરાજીત ઘનશ્યામ મહારાજની જન્મોત્સવની આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂગ્યા હતા. દર્શનપ્રિયદાસજી સ્વામીએ જન્મોત્સવના કિર્તનો ગાાયા હતા સંતોએ સમૂહમાં રાસની રમઝટ બોલાવી હતી.

પ્રતિ, આદરણીય તંત્રી શ્રી કનુભગત

 

(2:52 pm IST)