Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

મોટાપાયે મતદાન કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મતદારોને અપીલ

મતદાન લોકશાહીનો આત્મા છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી : દેશની સુરક્ષા-અખંડતા માટે મતદાન કરી વિકાસ યાત્રાને અવિરતપણે આગળ વધારવાની મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અપીલ

અમદાવાદ,તા.૨૨ : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીના મતદારોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આવતીકાલે ૨૩ એપ્રિલના રોજ યોજાનાર લોકશાહીના પર્વના ત્રીજા તબક્કામાં શાંતિપૂર્ણ અને ભારે સંખ્યામાં મતદાન કરીએ. રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે,  "મતદાન એ લોકશાહીનો આત્મા છે" દેશની સુરક્ષા અને અખંડિતતા માટે મતદાન કરી વિકાસ યાત્રાને આગળ વધારીએ તેવો અનુરોધ કર્યો હતો. રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે, છેલ્લા ૦૫ વર્ષથી નરેન્દ્ર મોદીના નેતૃત્વની એનડીએ સરકાર દેશની વિકાસયાત્રાને તેજ ગતિથી આગળ ધપાવી રહી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી એટલે અસત્ય અને સત્ય વચ્ચેનો સંઘર્ષ છે. ભારતીય જનતા પાર્ટી હરહંમેશ રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રવાદ, સૌને ન્યાય, વાસ્તવિકતા અને સત્યતા અને સૌનો સાથ સૌનો વિકાસ જેવી બાબતોને સાથે લઈને વિકાસલક્ષી રાજનીતિમાં માને છે. અમે જ્ઞાતિ-જાતિના વેરઝેરની રાજનીતિ ક્યારેય કરી નથી, ત્યારે અમારો એક માત્ર એજન્ડા એ છેવાડાના માનવીના કલ્યાણ માટે અવિરત વિકાસની યાત્રાને પૂરઝડપે આગળ વધારવાનો છે. વિકાસનો લાભ કોઇ એક જ્ઞાતિ કે સમાજના કોઇ એક જ સમૂદાય પુરતો સીમીત ન રહેતા સમાજના બધા જ વર્ગો અને ક્ષેત્રોને મળે માટે ભાજપાની સરકાર હંમેશા કટિબધ્ધ હોય છે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં રાજકીય સ્થિરતા હોય તો જ દેશનો વિકાસ અને દેશની પ્રગતિ શક્ય છે. સ્થિરતા વગરની સરકારમાં હંમેશા દેશ પાયમાલ જ થાય છે. કોંગ્રેસે બહું જ જુઠ્ઠાણા ચલાવ્યાં છે તેનો જવાબ ગુજરાતની પ્રજા ભાજપાની તરફેણમાં વધુમાં વધુ મતદાન કરીને આપશે તેવો વિશ્વાસ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૨૨ સુધી નવા ભારતની કલ્પના કરી છે. તે માટે તેઓ સતત કાર્યશીલ છે. આજે વિશ્વભરમાં ભારતને માનભેર આવકાર મળે છે. ભારતની દરેક વાતની વિશ્વ આજે ગંભીરતા પૂર્વક નોંધ લે છે. વૈશ્વિક સંસ્થાઓએ ભારતના મજબૂત અર્થતંત્રના સંકેતો આપ્યાં છે. ભારતની સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ અપનાવી રહ્યું છે. સામાજીક પરંપરાઓને વિશ્વએ સ્વીકારી છે. ભારત પાસે મૂલ્યો છે અને ભારત તેના સુવર્ણ ઇતિહાસને ફરી દોહરાવવા તરફ જઇ રહ્યું છે. ભારત સોને કી ચિડીયા હતું અને તે તરફ આગળ વધી રહ્યું છે. અમારો એક જ મંત્ર છે કે, ભારતને વિશ્વમાં ફરી "વિશ્વ ગુરૂ" તરીકે સ્થાપિત કરવાનું અને અમે તે કરીને જ જંપીશું. નવા ભારતના નિર્માણમાં ગુજરાતનું યોગદાન મહત્તમ છે. "ભવ્ય ભારત" ના સંકલ્પને પરિપૂર્ણ કરવા અને "સબકા સાથ સબકા વિકાસ" ના મંત્રને સાર્થક કરવા ભાજપાના લોકસભાના ઉમેદવારોની તરફેણમાં જંગી માત્રામાં મતદાન કરી નરેન્દ્ર મોદીને ફરીથી દેશનું સુકાન સોંપવા માટે પ્રતિબધ્ધ થવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની તમામ જનતાને હાકલ કરી હતી.

 

(8:18 pm IST)
  • શહિદ પોલીસ અધિકારી હેમંત કરકરે વિરૂધ્ધ નિવેદન અંગે સાધ્વી પ્રજ્ઞાને પણ ચુંટણી પંચે નોટીસ આપી : સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરની પોતાના નિવેદન પર સ્પષ્ટતાઃ સત્ય સામે જરૂર આવે છેઃ દેશ વિરોધી-ધર્મવિરોધી લોકો પોતાના અંતની ચિંતા કરેઃ મને ૯ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવીઃ સાધ્વીના અંતની વાત ના કરે access_time 4:01 pm IST

  • રાજકોટ : આજીડેમમાં નાહવા પડતા ડૂબી જતાં કુબલિયાપરાના 2 સગા ભાઈના મોત, પરિવારમાં શોક : વિશાલ અમર દેવીપૂજક 14 અને તેના ભાઈ રોહિત અમારભાઈ દેવીપૂજક 16ના મોત. : ઘરે કોઈ નહોતું. માતા પિતા કપડાં વેચવા ગયા હતા. : ત્રણ છોકરા ન્હાવા પડ્યા હતા એકનો બચાવ access_time 5:18 pm IST

  • શ્રીલંકામાં થયો વધુ એક બૉમ્બ ધડાકો : બૉમ્બ ડિફ્યુઝલ સવોડ દ્વારા, મળી આવેલ એક બૉમ્બને નિષ્ક્રિય કરતી વખતે થયો બૉમ્બ બ્લાસ્ટ : અત્યાર સુધીમાં અધધધધ 87 જીવતા બૉમ્બ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. access_time 6:32 pm IST