Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ચૂંટણી ઉત્સાહથી મતદાન કરીને ઉજવવા માટે સૂચન

મતદાન એ મહાદાન છે : ભાજપ

અમદાવાદ,તા.૨૨ : ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ૨૩ એપ્રિલના રોજ ગુજરાતની ૨૬ બેઠકોની યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરી લોકશાહીના ''મહાપર્વ''ને ધામધુમથી ઉજવવા અનુરોધ કર્યો છે. રાષ્ટ્રહિત અને ''સર્વજન હિતાય સર્વજન સુખાય'' અમારૂ એક માત્ર લક્ષ્ય રહ્યું છે અને રાષ્ટ્રહિતમાં જ બધી જ સમસ્યાઓનું સમાધાન છે તેવી ભાજપાની વિચારધારા રહી છે. સમગ્ર ભારતમાં ભાજપાની સરકાર અભૂતપૂર્વ વિકાસકાર્યોની હારમાળા સર્જી રહી છે, નરેન્દ્ર મોદી દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં જનનાયક તરીકે પ્રસ્થાપિત થયા છે, જેના વિચારોની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાય છે, ભાજપ હંમેશા જ્ઞાતિજાતિ, ધર્મથી પર રહીને ''સબકા સાથ સબકા વિકાસ''ના મૂળમંત્ર સાથે પ્રજાલક્ષી અભિગમ કેળવીને પ્રજા વચ્ચે જાય છે, ત્યારે કોંગ્રેસ માત્ર ને માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાનું, ભરમાવવાનું કામ કરી રહી છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીએ ગરીબ-શોષિત-પીડિત-મધ્યમ એમ તમામ વર્ગના લોકોને નજર સમક્ષ રાખીને અનેક કલ્યાણકારી પગલાં લીધા છે, સાથે સાથે દેશની સુરક્ષા અને અખંડિતતા માટે જરા પણ બાંધછોડ કર્યા વીના ત્રાસવાદ-નકસલવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. છેલ્લા ૫ વર્ષમાં દેશની ૧૩૦ કરોડ જનતાની આશા-આકાંક્ષા પરિપૂર્ણ કરવા અવિરતપણે કાર્યરત નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદે પુનઃ આરૂઢ કરવા લોકો સ્વયંભૂ પ્રતિબધ્ધતા દર્શાવી રહ્યા છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર ભારતભરમાં પ્રવાસ કરી રહ્યા છે ત્યારે દેશના ખુણે-ખુણેથી ભાજપા તરફી લોકજુવાળનું સુનામી જોવા મળી રહ્યુ છે.

(8:17 pm IST)