Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ગુજરાતમાં કાલે તમામ ૨૬ સીટ પર વોટિંગ : કુલ ૩૭૧ ઉમેદવાર

વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણી માટે પણ મતદાન થશે : ૫૧૮૫૧ મતદાન મથકો ઉપર ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા રાજયના કુલ ૪૫૧૨૫૬૮૦ મતદારો ઉત્સુકત : તમામ જગ્યાઓએ મજબૂત સલામતી

અમદાવાદ,તા. ૨૨ : આવતીકાલે ગુજરાતમાં લોકશાહીનું મહાપર્વ એટલે કે, લોકસભા ચૂંટણીનો દિવસ છે, મતદારો માટે તેમના મતાધિકાર અને મતદાનનો પવિત્ર દિવસ છે. આવતીકાલે તા.૨૩મી એપ્રિલે મંગળવારના રોજ ગુજરાત લોકસભાની તમામ ૨૬ બેઠકો માટેની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ચાર બેઠકો માટેની પેટા ચૂંટણીનું મતદાન યોજાશે. આવતીકાલે વહેલી સવારે ૭-૦૦ વાગ્યાથી સાંજે ૬-૦૦ વાગ્યા દરમ્યાન મતદાન યોજાશે. ત્યારે રાજય ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. તો, રાજયની લોકસભા ચૂંટણીનો તબક્કો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને સમગ્ર રાજયમાં મુકત અને ન્યાયી ચૂંટણી યોજાય તે હેતુથી સ્થાનિક પોલીસ, સીઆરપીએફ અને અર્ધલશ્કરી દળોના જવાનો સહિતના સુરક્ષા જવાનો સાથે સલામતી વ્યવસ્થા પણ જડબેસલાક રીતે તૈનાત કરાઇ છે. સીસીટીવી કેમેરા, વીડિયોગ્રાફી સહિતની તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરાઇ છે. રાજયના કુલ ૪,૫૧,૨૫,૬૮૦ મતદારો ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે કુલ ૩૭૧ ઉમદેદવારોના ભાવિનો ફૈંસલો કરશે. જયારે વિધાનસભાની ચાર બેઠકો માટેની પેટાચૂંટણીમાં ૪૫ ઉમેદવારો મેદાનમાં છે. આ અંગે રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ.મુરલીક્રિષ્ણાએ જણાવ્યું હતું કે, રાજ્યનાં તમામ ૫૧,૭૦૯ મતદાન મથકો પર ઈવીએમ વીવીપેટ સહિત મતદાનને લગતી ૧૨૫ જેટલી સામગ્રીઓ પહોંચાડી દેવામાં આવી છે. લોકસભાની કુલ ૨૬ બેઠક માટે કુલ ૩૭૧ ઉમેદવારો અને વિધાનસભાની પેટા ચૂંટણીની ચાર બેઠકો માટે ૪૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. લોકસભા બેઠકમાં સૌથી વધુ ઉમેદવારો ૩૧ સુરેન્દ્રનગર બેઠક અને સૌથી ઓછા ૬ ખેડા બેઠક પરથી લડી રહ્યા છે. અતિ સંવેદનશીલ અને સંવેદનશીલ મતદાન મથક પર સીસી ટીવી કેમેરા દ્વારા તમામ હિલચાલ પર સતત નજર રખાશે. આજે સોમવારે સવારથી જ અમદાવાદ શહેર સહિત રાજયના સંબંધિત તમામ મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી કરી દેવાઇ હતી. આવતીકાલે સમગ્ર મતદાન દરમ્યાન ક્વિક રિસ્પોન્સ ટીમ સ્ટેન્ડ ટુ રહેશે. તો, મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ અને વીવીપેટ રાખવા માટેના સ્ટ્રોંગ રૂમ અને સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓ પણ ચૂંટણી તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવાઇ છે. ખાસ કરીને સ્ટ્રોંગ રૂમ માટે તો લોખંડી અભેદ્ય કવચ ખડકી દેવાયું છે. તા. ર૪ એપ્રિલના રોજ ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન પૂરું થયા બાદ રિસિવિંગ સેન્ટર પર મોડી રાત્રે અથવા દૂરનાં મથકોથી અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી સવારે મતદાન સામગ્રી પરત કરવા પહોંચે છે. તેમની ફરજના લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને તા. ર૪ એપ્રિલ મતદાનના બીજા દિવસે ચૂંટણી ફરજ પરના કર્મીઓને ફરજ પર ગણીને રજા આપવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી અને  મતદાન દરમ્યાન એકેએક શંકાસ્પદ ગતિવિધિ અને હિલચાલ પર બાજ નજર રાખવામાં આવશે અને તેનો વિગતવાર અહેવાલ અને જાણકારી સતત કેન્દ્રીય ચૂંટણી પંચને આપવામાં આવશે. ગુજરાતમાં જે સીટ પર મતદાન થનાર છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, કચ્છ(અનુ.જાતિ) અને અમદાવાદ પશ્ચિમ (અનુ.જાતિ), દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી અને વલસાડ(ચારેય અનુ.જનજાતિ)નો સમાવેશ થાય છે. આવતીકાલની ચૂંટણીને લઇ ૫૭,૧૧૧ પ્રિસાઇડીંગ ઓફિસર,  ૫૭,૧૧૧ પ્રથમ પોલીંગ ઓફિસર, ૨૪,૨૪૪ પુરૂષ પોલીંગ ઓફિસર, ૮૫,૩૦૯ મહિલા પોલીંગ ઓફિસર, ૫,૧૪૫ માઇક્રો ઓર્બ્ઝર્વર અને ૬,૧૬૪ સેકટર ઓફિસર મળી કુલ ૨,૨૩,૭૭૫ કર્મી-અધિકારીઓની પોલીંગ સ્ટાફ તરીકે નિમણૂંક કરાઇ છે.

ગુજરાતનું ચિત્ર.........

અમદાવાદ, તા. ૨૧ : ગુજરાતમાં લોકસભાની ૨૬ સીટ માટે હવે મતદાન થશે. ગુજરાતનું ચિત્ર નીચે મુજબ છે.

કુલ લોકસભા સીટ........................................... ૨૬

કુલ ઉમેદવાર મેદાનમાં................................. ૩૭૧

કુલ મતદારોની સંખ્યા ..................... ૪૫૧૨૫૬૮૦

પુરૂષ મતદારોની સંખ્યા.................... ૨૩૪૨૮૧૧૯

મહિલા મતદારોની સંખ્યા................. ૨૧૬૯૬૫૭૧

ત્રીજી જાતિના મતદારોની સંખ્યા.................... ૯૯૦

પ્રથમવારના વોટર.............................. ૧૧૦૬૮૫૫

કર્મચારીઓ તૈનાત................................. ૨૨૩૭૭૫

(7:51 pm IST)
  • ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો : દિલ્હીના ઇન્વેસ્ટિગેટિવ વિંગના DG સહિત દિલ્હી - એનસીઆર, ભોપાલ, ઇન્દોર અને ગોવામાં અનેક જગ્યાઓએ એક સાથે રેડ પાડી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે : આધારભૂત બાતમીના આધારે મોટાપાયે કાળા નાણાંનો સંગ્રહ અને હેરાફેરીને રોકવા ITએ આ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળે છે : 6 મોટા વ્યવસાયિક ઘરો, 2 મોટી આંગડિયા પેઢી, 2 મોટા જમીનોના દલાલ સહિત 1 બહુ મોટા જવેલર્સ ઇન્કમરેક્સના રાડારમાં હોવાનું કહેવાય રહ્યું છે અને આ તમામ કોઈ ને કોઈ રીતે રાજકારણ સાથે સંકળાયેલા હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 8:07 pm IST

  • શ્રીલંકામાં થયો વધુ એક બૉમ્બ ધડાકો : બૉમ્બ ડિફ્યુઝલ સવોડ દ્વારા, મળી આવેલ એક બૉમ્બને નિષ્ક્રિય કરતી વખતે થયો બૉમ્બ બ્લાસ્ટ : અત્યાર સુધીમાં અધધધધ 87 જીવતા બૉમ્બ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. access_time 6:32 pm IST

  • ફરીવાર સાધ્વી પ્રજ્ઞા વિવાદી નિવેદનમાં ફસાયા ;કહ્યું અયોધ્યામાં મેં ઉપર ચડીને તોડ્યો હતો વિવાદી ઢાંચો ;ચૂંટણી આયોગે ફટકારી નોટિસ :24 કલાકમાં માંગ્યો જવાબ :આતંકવાદી હુમલામાં શહીદ થયેલ મહારાષ્ટ્ર પોલીસના વરિષ્ઠ અધિકારી હેમંત કરકરે અંગે આપેલ વિવાદી નિવેદન બાદ ભોપાલ સંસદીય સીટના ભાજપના ઉમેદવાર સાધ્વીએ વધુ એક વિવાદી નિવેદન આપ્યું છે access_time 11:33 pm IST