Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ભાજપ-કોંગ્રેસનો દાવોઃ ગુજરાતમાં સૌથી વધુ બેઠકો અમને જ મળશેઃ પ્રજા અમારી સાથે

ભાજપે વોટીંગ પહેલા જ કોંગ્રેસને હરાવી દીધુઃ કોંગ્રેસ કહે છે મતદારોને આકર્ષવા માટે ભાજપ નિષ્ફળ

નવીદિલ્હી, તા.૨૨: લોકસભા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ચૂંટણી પંચી ગાઈડલાઈન મુજબ રવિવારે સાંજે ૬ વાગ્યાથી જ તમામ પક્ષોના પ્રચાર બંધ થઈ ગયા છે. ભલે માઈકની સ્વિચ ઓફ કરી દેવામાં આવી હોય પરંતુ છેલ્લા છેલ્લા દિવસોમાં બંને પક્ષના ઉમેદવારોએ પોતપાતના પ્રચારમાં કોઈ કસર મૂકી નહોતી. આકરો ઉનાળો, પરસેવો, ધૂળ આ બધાની પરવા કર્યા વગર જોરજોરથી પોતપોતાની પાર્ટીના સૂત્રોચાર કર્યા હતા. આ પ્રચારમાં કેટલાય નેતાઓ અને ઉમેદવારોના ગળા સુકાઈ ગયા તો કેટલાકને સનસ્ટ્રોકની અસર થઈ. જોકે બંને પક્ષાના નેતાઓ એક વાત ચોક્કસ કહેતા ફરે છે કે અમે જ જીતીશું.

ભાજપના પ્રચાર દરમિયાન શુક્રવારે મુખ્યમંત્રી વિજય રુપાણીને સનસ્ટ્રોક થયો હતો તો અમદાવાદ પશ્યિમના ભાજપ ઉમેદવાર કિરિટ સોલંકીએ કહ્યું કે પ્રચારના ત્રીજા જ દિવસે મને લાગ્યું કે મારું ગળું બેસી જશે. બસ પછી મે તરત કોલ્ડડ્રિંકસ અને આઇસક્રિમથી અંતર બનાવી લીધું અને આયુર્વેદિક દવાઓ લેવાની શરૂ કરી જેથી ફરી રિકવરી આવી ગઈ.

જયારે બીજી તરફ ગાંધીનગરમાં કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાને ગળાનું ઇન્ફેકશન થઈ જતા ગળું બેસી ગયું હતું. તેમના સપોર્ટર્સે કહ્યું કે ડોકટરે ચાવડાને સંપૂર્ણ આરામ કરવા જણાવ્યું છે. જયારે વિરોધ પક્ષ નેતા અને અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી કહ્યું કે હું સનસ્ટ્રોકથી માંડ કરીને બચ્યો હતો. જયારે તેમના સાથીદાર લલિત વસોયા પણ ગળુ ખરાબ થવાના કારણે પ્રચાર મુકીને પાર્ટી હેડકવાર્ટર પરત ફર્યા હતા.

ભાજપના મનસુખ માંડવિયાએ દાવો કર્યો કે તેમણે પ્રચાર માટે લગભગ ૫૦ જેટલી સભાઓ સંબોધી છે. જોકે તેઓ હંમેશા પોતાની સાથે ગળાની સંભાળ માટે હુંફાળુંપાણી રાખતા હતા. જયારે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાદ્યાણીએ દાવો કર્યો છે કે ભાજપે વોટિંગ પહેલા જ પ્રચારમાં જ કોંગ્રેસને હરાવી દીધું છે. વડાપ્રધાન મોદી અને પક્ષ પ્રમુખ અમિતભાઈના ભારે પ્રચારે કોંગ્રેસના પ્રોપેગન્ડાને ફેઈલ કરી દીધો છે અને ચૂંટણીમાં મતદારો ગુજરાતની તમામ ૨૬ બેઠકો પરથી નરેન્દ્રભાઈને ચૂંટીને લાવશે.

જયારે બીજી તરફ ગુજરાત કોંગ્રેસ ઇન્ચાર્જ રાજીવ સાતવ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે 'મતદારોને રીઝવવામાં ભાજપનનું કેમ્પેઇન સદંતર નિષ્ફળ નિવડ્યું છે. કોંગ્રેસ ખેડૂતો, લદ્યુ અને મધ્યમ ઉદ્યોગકારો, વેપારીઓ અને ગરીબો માટે પ્રતિબદ્ઘ છે. અમે મતદારોને અપીલ કરીએ છીએ કે ખોટા ઉપજાવી કાઢેલા મુદ્દાની જગ્યાએ સાચા મુદ્દા પર મતદાન કરો.' જયારે ગુજરાતમાં પક્ષો અને રાજનેતાઓના પ્રચાર રથ અને માઈક અટકી ગયા છે ત્યારે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ મુરલી ક્રિષ્નાએ તમામ ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓને અનુલક્ષીને એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં આગામી મંગળવારે વોટિંગ પૂર્ણ થાય ત્યાં સુધી કયા પ્રકારાના નીતિ નિયમોનું પાલવ કરવું તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.

(12:09 pm IST)