Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

કોંગ્રેસ ૧૫થી વધુ બેઠકો જીતશેઃ સાતવ

પ્રદેશ પ્રમુખ ચાવડા કહે છે કે, પ્રચાર વખતે કોંગ્રેસને જબરો પ્રતિસાદ મળ્યો છેઃ પ્રચાર પડઘમ શાંત થતા જ અહેમદ પટેલ-રાજીવ સાતવ-અમિત ચાવડાએ બેઠકદીઠ કરી સમિક્ષા

અમદાવાદ, તા. ૨૨ :. ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા જ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ટોચના આગેવાનોએ ગુજરાતની તમામ ૨૬ બેઠક પર સમિક્ષા આદરી હતી. રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ, રાજ્ય પ્રભારી રાજીવ સાતવ અને અમિતભાઈ ચાવડા આખરી ગોઠવણમાં ગૂંથાયા છે. અહેમદભાઈએ સ્પષ્ટ કહ્યુ છે કે, ૧૪ થી ૧૫ બેઠકો ભાજપ પાસેથી ખૂંચવીશુ ત્યારે પ્રભારી સાતવે ૧૫ થી વધુ બેઠકનો આશાવાદ દર્શાવ્યો છે. અમિત ચાવડાના જણાવ્યા મુજબ ચૂંટણી પ્રચાર વખત કોંગ્રેસને મતદારોનું વ્યાપક સમર્થન જોવા મળ્યુ છે અમે સુંદર દેખાવ કરશું.

રાજકોટ મુલાકાત વખતે કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન અહેમદભાઈ પટેલે સ્પષ્ટ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્રની સાતમાંથી ત્રણ થી ચાર બેઠક અને ગુજરાતમાંથી દસ જેટલી બેઠકો પર કોંગ્રેસ વિજયી બનશે.

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે એવો દાવો કર્યો હતો કે કોંગ્રેસ ગુજરાતમાં ૨૬માંથી ૧૫થી વધુ બેઠકો પર જીત હાંસલ કરશે. ગુજરાતમાં જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. ભાજપ સરકારના ખોટા વાયદા-વચનોથી જ નહીં, સરકારની નિષ્ફળતાને લીધે ગુજરાતની જનતા નાખુશ છે.કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે ભાજપ સરકાર પર નિશાન સાધી જણાવ્યું કે, મોંઘવારીએ માઝા મુકી છે. આમજનતા માટે જીવન જીવવું દોહ્યલુ બન્યુ છે. શિક્ષિત યુવાનો નોકરી-રોજગારી માટે ફાંફા મારી રહ્યા છે. ખેડૂતો આત્મહત્યા કરવા મજબુર બન્યા છે. પાંચ વર્ષના શાસનમાં ભાજપે પ્રજાલક્ષી કાર્યો જ કર્યા નથી. હવે જનતાએ ભાજપને સત્તા પરથી દૂર કરવા મનોમન નક્કી કરી લીધુ છે જે અમને ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યુ છે.

કોંગ્રેસે પ્રજાલક્ષી વાતો સાથે હકારાત્મક મુદ્દા સાથે ચૂંટણી પ્રચાર કર્યુ જ્યારે ભાજપે હલકી ભાષાનો ઉપયોગ કરી નકારાત્મક મુદ્દાઓ સાથે ચૂંટણી પ્રચાર કર્યો છે તેવો આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસે મુદ્દા આધારિત ચૂંટણી ઢંઢેરાની વાતો લોકો સમક્ષ મુકી હતી. કોંગ્રેસને રાજ્યમાં જનસમર્થન સાંપડયુ છે. લોકોમાં ભાજપ વિરૂદ્ધ આક્રોશ છે. ભાજપ પાસે ચૂંટણી માટે મુદ્દઓ નથી એટલે જ તે અન્ય મુદ્દા ઉઠાવી પ્રજાને ગેરમાર્ગે દોરે છે. ભાજપના શાસનની નિષ્ફળતાથી પ્રજા હવે કંટાળી ચુકી છે.

ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા જ મોડી સાંજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અહેમદ પટેલ અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ૨૬ બેઠકોમાં મત વિસ્તાર દીઠ કેવી પરિસ્થિતિ છે તેનો તાગ મેળવાયો હતો. આ ઉપરાંત મત વિસ્તારમાં અસંતુષ્ટો પર પણ નજર રાખવા સૂચના અપાઈ છે. સ્થાનિક આગેવાનો-કાર્યકરોને વધુમાં વધુ મતદાન થાય તે માટેય આદેશો અપાયા છે. હવે બુથ મેનેજમેન્ટ પર કોંગ્રેસે ભાર મુકયો છે.

(12:08 pm IST)
  • રાજ્યમાં કથળતા શિક્ષણના સ્તરને લઈને હાઇકોર્ટે લીધી ગંભીર નોંધ: માંગ્યો જવાબ:શિક્ષકો ખાનગી ટ્યુશન કરતા હોવાની પણ લીધી ગંભીર નોંધ ;સરકારી શાળાના કથળતા શિક્ષણ અંગે હાઇકોર્ટ ગંભીર access_time 12:47 am IST

  • ઇન્દોરમાં સ્વાઈનફ્લૂનો હાહાકાર ;ગરમીના દિવસોમાં પણ સ્વાઈનફ્લૂનો ફૂફાડો : દર બીજા દિવસે એક દર્દીનું મોત : 35 વર્ષીય મહિલાના મોટ બાદ આ ઘાતક બીમારીથી મૃતકોની સંખ્યા વધીને 60 ના આંકે પહોંચી : છેલ્લા સાડા ત્રણ મહિનામાં સ્થાનિક હોસ્પિટલમાં 206 સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા access_time 1:04 am IST

  • ઇન્કમટેક્સ વિભાગે સપાટો બોલાવ્યો : દિલ્હીના ઇન્વેસ્ટિગેટિવ વિંગના DG સહિત દિલ્હી - એનસીઆર, ભોપાલ, ઇન્દોર અને ગોવામાં અનેક જગ્યાઓએ એક સાથે રેડ પાડી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે : આધારભૂત બાતમીના આધારે મોટાપાયે કાળા નાણાંનો સંગ્રહ અને હેરાફેરીને રોકવા ITએ આ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળે છે : 6 મોટા વ્યવસાયિક ઘરો, 2 મોટી આંગડિયા પેઢી, 2 મોટા જમીનોના દલાલ સહિત 1 બહુ મોટા જવેલર્સ ઇન્કમરેક્સના રાડારમાં હોવાનું કહેવાય રહ્યું છે અને આ તમામ કોઈ ને કોઈ રીતે રાજકારણ સાથે સંકળાયેલા હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 8:07 pm IST