Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

બે બાઇક સામસામે ટકરાતા ૩ યુવાનોના કરૂણ મોત થયા

અકસ્માતમાં એક અન્ય યુવાનને ગંભીર ઈજા : નર્મદાના પ્રતાપપુરા ગામના યુવાનો કામ પૂર્ણ કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કમકમાટીભર્યો બનાવ

અમદાવાદ,તા. ૨૧ : નર્મદા જિલ્લાના હેલંબી ગામ નજીક બે બાઇક સામસામે અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના કરૂણ મોત નીપજયા હતા. અકસ્માતમાં ઘાયલ અન્ય એક યુવકની હાલત ગંભીર જણાઇ રહી છે અને તે હાલ સારવાર હેઠળ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ છે. જો કે, બનાવને પગલે અને એકસાથે ત્રણ યુવકોના મોતને લઇ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનો માતમ પ્રસરી ગયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નર્મદાના પ્રતાપપુરા ગામના યુવાનો પોતાનું કામ પૂર્ણ કરીને બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નર્મદાના હેલંબી ગામ પાસે સામેથી આવી રહેલા યુવાનો ભાજપ યુવા મોરચાની રેલીમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા. તે સમયે બંને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો.

બંને બાઇકની સ્પીડ જોરદાર હોવાના કારણે બંને બાઇક સામસામે અથડાવાની સાથે જ બાઇક સ્લીપ થઇ ગયા હતા અને યુવાનો જમીન પર પટકાયા હતા. ગંભીર ઇજાઓ થવાના કારણે એક યુવકનું તો, ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે અન્ય એક યુવકનું રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અને બીજા યુવકનું વડોદરાની હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવા મોરચાના કાર્યકરને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે. જયાં તેની સારવાર ચાલી રહી છે. જો કે, બે બાઇક સામસામે અથડાવાના કારણે સર્જાયેલા અકસ્માતમાં એક સાથે ત્રણ યુવકોના મોતની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે શોકનો માતમ પથરાઇ ગયો હતો. સ્થાનિક પોલીસે પણ અક્સ્માતના બનાવને લઇ જરૂરી તપાસ હાથ ધરી હતી.

(9:53 pm IST)