Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

અમરાઇવાડી-ઇન્દિરાનગરમાં છબરડાવાળી સ્લીપનું વિતરણ

છબરડાવાળી સ્લીપને લઇ મતદારો મૂંઝવણમાં : ભારે વિવાદ તેમજ હોબાળા બાદ નવી સ્લીપોનું વિતરણ

અમદાવાદ,તા. ૨૧ : ગુજરાત લોકસભાની ચૂંટણીને આડે હવે માંડ ૪૮ કલાક બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં આજે અમરાઇવાડી, ઇન્દિરાનગર જેવા વિસ્તારમાં મતદાર સ્લીપમાં ગંભીર છબરડા સામે આવતાં સ્થાનિક નાગરિકો મૂંઝવણમાં મૂકાયા હતા. સ્થાનિક ચૂંટણી તંત્ર સુધી સમગ્ર ફરિયાદ પહોંચતાં ચૂંટણી અધિકારીઓ દોડતા થયા હતા અને તાબડતોબ છબરડાવાળી સ્લીપો બદલી નવેસરથી સ્લીપો વહેંચવામાં આવી હતી. જો કે, છબરડાવાળી સ્લીપોને લઇ વિવાદ તો જાગ્યો હતો. શહેરના અમરાઇવાડી, ઇન્દિરાનગર જેવા વિસ્તારમાં કેટલાક મતદારોના ત્યાં એક જ કાગળમાં આગળ-પાછળ ચાર મતદારોના નામ અને માહિતીનો ઉલ્લેખ કરેલી સ્લીપ મતદારોને વિતરણ કરી દેવાઇ હતી. મતદારો પણ આવી છબરડાવાળી સ્લીપને લઇ કયા બુથ પર અને કયાં મતદાન માટે જવું તેની મૂંઝવણમાં મૂકાઇ ગયા હતા. આ મતદારોએ તપાસ કરી તો તેમના જેવી છબરડાવાળી સ્લીપ વિસ્તારમાં અન્ય મતદારોને પણ વિતરણ કરાઇ હોવાની વાત સામે આવી હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ઉહાપોહ અને હોબાળો મચી ગયો હતો. છેવટે આખોય મામલો સ્થાનિક ચૂંટણી તંત્ર સુધી પહોંચતા ચૂંટણી અધિકારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને મતદારોની છબરડાવાળી સ્લીપો બદલી તેમને નવેસરથી સ્લીપો પહોંચાડવામાં આવી હતી. આ માટે સ્થાનિક આગેવાનોની પણ મદદ લેવામાં આવી હતી. અમદાવાદ શહેર અને જિલ્લામાં તો વળી, હજુ કેટલાક મતદારોને મતદાર સ્લીપ પહોંચી નહી હોવાની અને વિલંબંથી પહોંચી હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે, જેને લઇને પણ ચૂંટણી તંત્રના અધિકારીઓ છેલ્લી ઘડીના ફરિયાદ નિવારણના પ્રયાસોમાં જોતરાયા છે. એકપણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ના રહે તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજય ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી પંચને સ્પષ્ટ તાકીદ કરેલી છે, તેને લઇ તંત્ર પણ સાવધાની રાખી રહ્યું છે.

(9:26 pm IST)