Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

રાહુલ ગાંધીને નામાંકનપત્ર ભરવાની સુઝ નથી : પરસોત્તમ રૂપાલાએ દાવો કર્યો

ભાવનગર લોકસભા મતવિસ્તારમાં પ્રચાર : સરપંચોને સત્તા અને અધિકાર તથા નાણાં આપવાનું કામ થયું છે જેથી ગામોનો વિકાસ ખૂબ ઝડપથી થઈ શક્યો છે

અમદાવાદ, તા. ૨૧ :  આજ રોજ કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર ભારતીબેન શિયાળના સમર્થનમાં એક વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, આ લોકસભાની ચૂંટણી છે કોઇ સાદી ચૂંટણી નથી. આ ચૂંટણીમાં દેશના વડાપ્રધાન નક્કી કરવાના છે. નરેન્દ્ર મોદી સિવાય એક પણ ઉમેદવાર એવો નથી કે જે વડાપ્રધાન બની દેશને સુરક્ષા અને મજબૂત સરકાર આપી શકે. વિરોધ પક્ષ વડપ્રધાન તરીકે તેમનો ઉમેદવાર કોણ હશે તે નક્કી કરી શક્યો નથી. રાહુલ ગાંધી મનમાં ને મનમાં મલકાય છે કે, હું વડાપ્રધાન બનીશ. પરંતુ અમેઠી લોકસભાના ઉમેદવાર રાહુલ ગાંધીને તેમનું  નામાંકનપત્ર ભરવાની પણ સુઝ નથી એ દેશનું સુકાન કેવી રીતે સંભાળી શકશે. જ્યારે બીજી બાજુ હમણા જ શરદ પવારે રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે સ્વિકારવાની ના પાડી દીધી છે. વિરોધ પક્ષના બધા નેતાઓ ભેગા થઇને નરેન્દ્ર મોદીને હટાવવાની વાત કરે છે, પણ એ નથી બતાવતા તમે વડાપ્રધાન તરીકે કોને બેસાડશો.

રૂપાલાએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે સરપંચે નાનામાં નાનું કામ કરાવવા ધારાસભ્યશ્રી કે સંસદસભ્યની પાછળ પાછળ આંટા મારવા પડતા હતાં, જ્યારે ૨૦૧૪ પછી વડાપ્રધાન તરીકે મોદી આરૂઢ થયા બાદ ભાજપાની સરકારે સરપંચને ગામના વિકાસ કામો કરવા માટે લાખો રૂપિયા તેમના બેંક ખાતામાં સીધા આપવાનો અને તે નાણાંનો ગામના વિકાસ કાર્યો માટે વાપરવાનો અધિકાર આપ્યો છે. આઝાદી પછી પહેલીવાર નરેન્દ્ર મોદીએ સરપંચોને સત્તા-અધિકાર અને નાણાં આપવાનું કાર્ય કર્યું છે, જેથી ગામોનો વિકાસ ખૂબ ઝડપથી અને સારી રીતે થઇ શક્યો છે. આટલો મોટો બદલાવ આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કરી શકે.

ભારતમાં ૨.૫ લાખ ગ્રામ પંચાયત છે. આ ગ્રામ પંચાયતોના વિકાસ કાર્યો માટે કેન્દ્ર સરકારે રૂ. ૨ લાખ સરપંચોને મોકલ્યા છે. ગામડું એ ભારતનો આત્મા છે આ ગામડાંને ધબકતું કરવા માટે આવા વિકાસશીલ પગલાં લેવા કેન્દ્રની અને રાજ્યની ભાજપાની સરકાર કટીબધ્ધ છે. કોંગ્રેસ તેમના કુશાસન દરમ્યાન ક્યારેય આ વાત કરતી ન હતી. 

 

(9:24 pm IST)