Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ગુજરાત : લોકસભા ચુંટણી માટે પ્રચારનો આવેલો અંત

ગુજરાતમાં ૩૭૧ ઉમેદવાર ચુંટણી મેદાનમાં છે : ચાર કરોડથી વધુ મતદારો ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા સુસજ્જ :પ્રચારના અંત બાદ હવે ડોર ટુ ડોર પ્રચાર

અમદાવાદ,તા. ૨૧ : ગુજરાતમાં લોકસભાની ચુંટણી માટે પ્રચારનો આજે અંત આવ્યો હતો. લોકસભાની ચુંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ ૨૬ બેઠક પર મતદાન થશે. ગુજરાતમાં કુલ ૪,૫૧,૨૫,૬૮૦ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા ઉત્સુક દેખાઈ રહ્યા છે. ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો માટે કુલ ૩૭૧ ઉમદેદવારો મેદાનમાં છે. વિધાનસભાની ચાર બેઠકો માટેની પેટાચૂંટણી પણ ૨૩મીના દિવસે યોજાનાર છે. આના માટે ૪૫ ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતમાં કુલ મતદારો પૈકી પુરૂષ મતદારોની સંખ્યા ૨,૩૪,૨૮,૧૧૯ અને મહિલા મતદારોની સંખ્યા ૨,૧૬,૯૬,૫૭૧ છે જ્યારે ત્રીજા જાતિના મતદારોની સંખ્યા ૯૯૦ છે. પ્રથમ વખત મતદાન કરનાર મતદારોની સંખ્યા ૧૧,૦૬,૮૫૫ છે. તા.ર૩ એપ્રિલે યોજાનાર લોકસભા ચૂંટણી આડે હવે માત્ર ૪૮ કલાક જેટલો સમયગાળો બાકી છે ત્યારે ચૂંટણી નિયમો મુજબ, ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારના પડઘમ વિધિવત્ રીતે શાંત થઇ ગયા હતા. આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારોએ અંતિમ તબક્કાનો પ્રચાર પૂર્ણ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણ, બનાસકાંઠામાં જાહેરસભા સંબોધી હતી તો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સાણંદમાં વિશાળ રોડ શો યોજી છેલ્લા તબક્કાનો પ્રચાર કર્યો હતો.  કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં ફિલ્મસ્ટાર અમિષા પટેલ, અશોક ગેહલોત, ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના નેતાઓએ પણ અંતિમ તબક્કાના પ્રચારમાં જોર લગાવી દીધુ હતું. ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઇ જતાં હવે ઉમેદવારો ડોર ટુ ડોર, વન ટુ વન અને વ્યકિતગત પ્રચારના છેલ્લી ઘડીના પ્રયાસોમાં વ્યસ્ત બન્યા છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડીના સંપર્કોમાં નારાજ જૂથ અને વ્યકિતસમૂહને પણ પોતાની તરફેણમાં લેવાના મરણિયા પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે, જેમાં નારાજ જૂથ અથવા તો વ્યકિતઓને મનાવી શકે તેવા તેમના નજીકના સંપર્કોની મદદ લેવાઇ છે. હવે સ્ટાર પ્રચારકોને બદલે સ્થાનિક નેતાઓ, આગેવાનો અને બુથ લેવલના કાર્યકરોની ભૂમિકા મહત્વની બની જશે. સ્થાનિક સંપર્કોનો મહત્તમ ઉપયોગ કરાશે. જો કે, આ વખતની લોકસભા ચૂંટણીમાં શહેર અને જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામતો ન હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા વર્ષ ર૦૧૪ની ચૂંટણીમાં જેટલા ચૂંટણી કાર્યાલયો ખોલવામાં આવ્યાં હતાં તેના કરતાં ખૂબ જ ઓછા કાર્યાલય આ ચૂંટણીમાં ખોલાયાં છે.  એટલું જ નહી, આ વખતની લોકસભાની ચૂંટણીને લઇ પ્રચાર કાર્યમાં રેલી, સરઘસ સભાની સંખ્યા પણ ઘટી છે. ઉનાળાની તોબા પોકારતી ગરમી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે મંદી જેવાં અનેક કારણો અસરકારક માનવામાં આવે છે. મુખ્ય તમામ રાજકીય પક્ષો સવારે ૯-૦૦ કલાક સુધીમાં તેમના કમિટેડ વોટ મતપેટીમાં પડી જાય તેવું પ્લાનિંગ કરી રહ્યા છે. હવે મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલાં એટલે કે આજે રવિવારે સાંજે પાંચ વાગ્યે પ્રચાર-પ્રસાર અને લાઉડસ્પીકર બંધ થઇ ગયા હતા. હવે જાહેરસભા કે રેલી-સરઘસ તથા રોડ-શો નહી યોજી શકાય. આજે સાંજે ૬-૦૦ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થયા બાદ હવે ઉમેદવારો અને તેમના સમર્થકો-ટેકેદારો છેલ્લી ઘડીના ડોર ટુ ડોર પ્રચાર અને વ્યકિતગત સંપર્કો મારફતે પ્રચારમાં જોતરાઇ ગયા છે.

ચૂંટણી નિયમો મુજબ, આજે સાંજે બહારગામથી આવેલા મહાનુભાવોએ મત વિસ્તાર છોડી દીધા હતા. અલબત્ત, અંતિમ તબક્કાનો પ્રચાર પણ શુષ્ક રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, હાર્દિક પટેલ સહિતના દિગ્ગજોએ આજે પોતાનો વિધિવત્ પ્રચાર પૂર્ણ કર્યો હતો. આજે સાંજે લોકસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ઉમેદવારો અને તેમના સમર્થકો-ટેકેદારો  છેલ્લી ઘડીના પ્રયાસોમાં ડોર ટુ ડોર અને મરણિયો પ્રચાર કરવામાં જોતરાયા હતા. આજે રાત્રે અને આવતીકાલે સમગ્ર દિવસ અને આવતીકાલની આખી રાત ઉમેદવારો ડોર ટુ ડોર, વન ટુ વન અને લોકસંપર્ક મારફતે પ્રચાર કરી છેલ્લી ઘડીના મતો પોતાના ખાતામાં આવે તે માટે મરણિયા પ્રયાસો કરશે. જેને લઇ હવે આગામી ૪૮ કલાક ઉમેદવારો અને તેમના સમર્થકો-ટેકેદારો માટે જાણે કતલની રાત જેવા બની રહેશે.

ગુજરાતનું ચિત્ર.........

ગુજરાતમાં લોકસભાની ૨૬ સીટ માટે હવે મતદાન થશે. ગુજરાતનું ચિત્ર નીચે મુજબ છે.

કુલ લોકસભા સીટ............................................. ૨૬

કુલ ઉમેદવાર મેદાનમાં................................... ૩૭૧

કુલ મતદારોની સંખ્યા ....................... ૪૫૧૨૫૬૮૦

પુરૂષ મતદારોની સંખ્યા...................... ૨૩૪૨૮૧૧૯

મહિલા મતદારોની સંખ્યા.................... ૨૧૬૯૬૫૭૧

ત્રીજી જાતિના મતદારોની સંખ્યા..................... ૯૯૦

પ્રથમવારના વોટર............................... ૧૧૦૬૮૫૫

(7:53 pm IST)
  • હાર્દિક પટેલ અને નરેશભાઇ પટેલ વચ્ચે રાજકોટ ખાતેની શુભેચ્છા મુલાકાત-મંત્રણામાં પાસ અગ્રણી અલ્પેશ કથીરીયાની જેલમુકિત-જામીન અંગે ચર્ચા થયાનું એક ખાનગી ટીવી ચેનલે જણાવ્યું છે access_time 4:25 pm IST

  • રાજકોટ: ચૂંટણી ફરજમાં ગેરહાજર હોમગાર્ડ સામે પોલીસ કમિશનરનું આકરું પગલું access_time 5:20 pm IST

  • નરેન્દ્રભાઇ મમતાના ગઢમાંથી બીજી બેઠક ઉપરથી ચૂંટણી લડશે ? ગમે તે ઘડીએ જાહેરાત થવાની સંભાવના: અમિતભાઇ કોલકત્તામાં મહત્વની જાહેરાત કરે તેવી ભારે ચર્ચાઃ ટૂંક સમયમાં પત્રકારોને સંબોધશેઃ પશ્ચિમ બંગાળમાં ભારે ચર્ચા છે કે, નરેન્દ્રભાઇ મોદી વારાણસી ઉપરાંત બીજી બેઠક પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના હોમગ્રાઉન્ડ ઉપરથી લડશે access_time 12:33 pm IST