Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

હવે અમદાવાદીને રીવરફન્‍ટ પર મળશે : રિવર વ્‍યુ વાળી રેસ્‍ટોરાનો લ્‍હાવો

અમદાવાદ: ટુંક સમયમાં અમદાવાદીઓ સાબરમતી નદીના વ્યુનો આનંદ લેતા લેતા ફૂડ એન્જોય કરી શકશે. સાબરમતી રિવરફ્રંટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(SRFDCL) અંતર્ગત 48.83 કરોડના ખર્ચે બની રહેલા રિવરફ્રંટ હાઉસના પાંચમા માળે એક રિવર-ફેસિંગ રેસ્ટોરાં બનાવવામાં આવશે.

SRFDCL દ્વારા સાબરમતી રિવરફ્રંટના પશ્ચિમ ભાગમાં વલ્લભ સદનની પાછળ લગભગ 1900 સ્ક્વેરના પ્લોટમાં રિવરફ્રંટ હાઉસ બનાવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર એક્ઝિબિશન હૉલ અને કેફેટેરિયા હશે, જ્યારે પહેલા, ત્રીજા અને ચોથા માળ પર બિઝનેસ ઓફિસ બનશે.

બિલ્ડિંગના બીજા માળે, SRFDCLની ઓફિસ હશે. જ્યારે આખા પાંચમા માળ પર રેસ્ટોરાં બનશે. AMCના સૂત્રોના જણાવ્યા અનુસાર, સાબરમતી રિવરફ્રંટ અમદાવાદ શહેરની ઓળખ બની ગયું છે અને દુનિયાભરના લોકો અહીંની મુલાકાત લેતા હોય છે, માટે અહીં રેસ્ટોરાં બનાવવાનો નિર્ણય યોગ્ય સાબિત થશે.

મેયર ગૌતમ શાહે જણાવ્યું કે, SRFDCL કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી કે, પાંચમા માળે રેસ્ટોરાં બનાવવામાં આવશે. અમે હજી સુધી મેન્યુ નક્કી નથી કર્યું, પણ ટુંક સમયમાં કરી દેવામાં આવશે. રિવરફ્રંટની મુલાકાતે આવેલો જય ભાવસાર નામનો MBAનો વિદ્યાર્થી કહે છે કે, રિવરફ્રંટના વ્યુની મજા લેતા લેતા ફૂડ એન્જોય કરવાની મજા આવશે. તહેવારોના સમયમાં ખાસકરીને ઘણો સારો વ્યુ હોય છે.

(4:49 pm IST)