Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સેવા અને સહકારી ક્ષેત્રે વલ્લભભાઇનું નામ સુવર્ણ અક્ષરે અંકિત : બ્રિજેશ મેરજા

અંગત મદદનિશ તરીકેના સંભારણા વાગોળતા પુર્વ પંચાયત મંત્રી

રાજકોટ, તા., ૨૨: રાજયના એક સમયના આરોગ્‍ય મંત્રી સ્‍વ.શ્રી વલ્‍લ્‍ભભાઇ પટેલના અંગત મદદનિશ તરીકે રહી ચુકેલા રાજયના પૂર્વ પંચાયત મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ વલ્લભભાઇ સાથેના સંભારણા વાગોળી આજે તેમની ૧૦૦ મી જન્‍મ જયંતી પ્રસંગે શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા છે.(જન્‍મ ર૩ માર્ચ ૧૯ર૩)

સ્‍વ.બ્રિજેશ મેરજાએ જણાવેલ કે શ્રી વલ્લભભાઇની સાથે એક દાયકો પડછાયા તરીકે વિતાવ્‍યો છે ત્‍યારે હજુય તેઓના નામની આગળ સ્‍વ.લખવાનું સુઝતુ નથી. તેઓની સ્‍મૃતિ મારા જીવન સાથે એવી વણાઇ ગઇ છે કે તેઓ સદેહે હૈયાત નથી તેમ મન માનતુ નથી. શ્રી વલ્‍લ્‍ભભાઇ  એક એવુ વ્‍યકિતત્‍વ હતા કે જેને માપવા માટે કોઇ પણ ગજ ટુંકો પડે. સહકારી અધિકારી તરીકે આરંભેલી કારકીર્દી અનેક સંઘર્ષો ઝંઝાવાતો સામે અડગ રહીને તેઓ મુલ્‍ય માટે ઝઝુમ્‍યા, ખેડુતો માટે લડયા તો સહકારી પ્રવૃતિને વધુને વધુ ખિલવવા માટે ખુદની ખેવના કર્યા વગર મથતા રહયા. આ સહકારી પ્રવૃતિ પુણ્‍યકળાએ ખીલી ત્‍યારે તેની મહેક માણવા મહામાનવ  જીવંત ન રહયા. એ અફસોસ અદના સહકારી કાર્યકરથી માંડીને સૌ કોઇને ખુબ સાલે છે.

સહકારી પ્રવૃતિ એ એમનો જીવમંત્ર હતો. કૃષિ વિકાસ એ એમનો શ્વાસ હતો. તો લોકસેવા એ એમનો જીવનનો ધબકાર હતો. વહેલી સવારથી મોડી રાત સુધી લોકકાજે સતત પ્રવૃતિશીલ રહેતા મેં નજરે તેઓને નિકાળ્‍યા છે. ઘણી વખત તેઓ સમાજ સેવામાં એટલા ઓતપ્રોત થઇ જતા કે તેમણે આખો દિવસ ભોજન વગર કાઢયો છે તેની પણ તેમને ખબર ન રહેતી.  ગુજરાતની  સહકારી પ્રવૃતિને જગ વિખ્‍યાત બનાવવામાં તેમનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે. આજે જયારે નાફેડ, ક્રિભકો અને ઇભકોના ઉપપ્રમુખ તરીકે ગુજરાતના સહકારી આગેવાનો આ પદ શોભાવી રહયા છે. તેના પાયામાં શ્રી વલ્લભભાઇનો પરસેવો પડેલ છે. ગુજરાતની સહકારી પ્રવૃતિને દિલ્‍હી કક્ષાએ શ્રી વલ્લભભાઇએ એક આગવો દરજ્‍જો અપાવેલો અને તેમણે રોપેલા આ સહકારી આંબાના મીઠા ફળ આજે આપણે સૌ ચાખી રહયા છીએ. રાજયના આરોગ્‍ય પ્રધાન તરીકે તેમણે જે અદ્વિતીય સિધ્‍ધીઓ હાંસલ કરી છે તે એક દંતકથા બની રહી છે તેમ શ્રી બ્રિજેશ મેરજાએ જણાવ્‍યું હતું.

(4:12 pm IST)