Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

BRTS કર્મીઓના બોનસ મુદ્દે તંત્ર-કંપની સામે ફરિયાદ

બોનસના મામલે તંત્રનું ઉદાસીન વલણ રહ્યું : કર્મીઓનો તંત્ર-કંપની દ્વારા એકબીજાના મેળાપીપણામાં કાયદેસરના નાણાં નહી ચૂકવાયા હોવાના ગંભીર આક્ષેપો

અમદાવાદ,તા. ૨૨ : બીઆરટીએસના સત્તાવાળાઓ દ્વારા મેનપાવરનો કોન્ટ્રાકટ વાયએમજીએમવી કંપનીને અપાયો હતો. પાંચ વર્ષનો આ કોન્ટ્રાકટ ડિસેમ્બર ર૦૧૬માં પૂર્ણ થયો છે, પરંતુ હવે અઢી વર્ષ બાદ બાકી બોનસ સહિતના મામલે કર્મચારીઓએ તંત્ર અને કંપની પર આપસી મેળાપીપણાનો આક્ષેપ કરીને કાયદેસરનાં નાણાં ન ચૂકવ્યાં અંગે પોલીસ ફરિયાદ કરતાં ખળભળાટ મચ્યો છે. વાયએમજીએમવી કંપનીમાં કામ કરતા પ૦૦થી વધુ કર્મચારીઓને ગત તા.૧ એપ્રિલ, ર૦૧પથી ગત તા.૩૦ નવેમ્બર, ર૦૧૬ સુધી એમ ર૦ મહિનાનું બોનસ ચૂકવાયંંુ નથી તેવી પોલીસ ફરિયાદ કરાઇ છે. કંપની દ્વારા કર્મચારી દીઠ રૂ.૧૩,૦૦૦ લેખે ચૂકવાતા હતા. બોનસ પૈકી રૂ.પ,૦૦૦થી ૭,૦૦૦ ચૂકવાયા છે. કર્મચારીઓના બાકી નીકળતાં બોનસનાં નાણાં, પીએફના નાણાં તેમજ અન્ય લાભો અંગે તંત્રમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરાઇ હતી. કંપનીની ડિપોઝિટ પેટે જપ્ત કરાયેલા રૂ.૩.૮૭ કરોડમાંથી કપાત કરીને ચૂકવાશે તેવી મૌખિક બાંયધરી બીઆરટીએસના ઓપરેશન વિભાગનો હવાલો સંભાળતા જનરલ મેનેજર દીપક ત્રિવેદી તેમજ એડમિન અને ફાઇનાન્સ વિભાગનો હવાલો સંભાળતા મિતેશ શાહ આપી હોવાનો પોલીસ ફરિયાદમાં ગંભીર આક્ષેપ ફરિયાદીઓ હરગોવન મકવાણા અંકિત ત્રિવેદી, પરેશ વર્મા, ચેતન વાઘેલા, કમલેશ કટારિયા, અશોક પરમાર, જિજ્ઞેશ વર્મા, હિમાંશુ પરમાર અને અનિલ વાઘેલાએ કર્યો છે. ફરિયાદી હરગોવન મકવાણાએ વધુમાં એવો આક્ષેપ કર્યો છે કે, અમારી વારંવારની રજૂઆત બાદ તંત્રે બોનસ, પીએફનાં બાકી નાણાં પેટે ગત તા.ર૦ ઓગસ્ટ, ર૦૧૮એ આંશિક રકમ ચેક દ્વારા અથવા તો જે તે કર્મચારીનાં બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી હતી, પરંતુ બાકી નાણાંની ચૂકવણી હજુ બાકી છે. જ્યારે કંપની પણ આ મામલે કોઇ જ રકમ બાકી નીકળતી નથી તેમ જણાવે છે. આ અંગે બીઆરટીએસના દીપક ત્રિવેદીને પૂછતાં તેઓ આ વિષયે મિતેશ શાહને પૂછવાનું કહે છે. જ્યારે મિતેશ શાહનો ફોન સંપર્ક થતો નથી. આમ, આ સમગ્ર વિવાદ હવે ગરમાયો છે.

(9:35 pm IST)