Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

રાહુલ ગાંધીની અધ્‍યક્ષતામાં સીઇસીની બેઠકમાં ગુજરાતની 5 બેઠકના ઉમેદવારો નક્કી કરાયા

દિલ્હી: લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા ગુજરાતના 4 જેટલા ઉમેદવારો નક્કી કરી લીધા બાદ હવે બીજી 5 સીટો પર ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. આવતીકાલે કોંગ્રેસ વધુ 5 બેઠકોના ઉમેદવારના નામ જાહેર કરે તેવી શક્યતા છે. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં સીઈસીની બેઠક મળી હતી જેમાં ગુજરાતની 5 બેઠકો પરની જાહેરાત કરવામાં આવશે.

અમિત ચાવડાના દ્વારા આપાવામાં આવેલી માહિતી અનુસાર 28 માર્ચ સુધીમાં કોંગ્રેસ તમામ 26 બેઠકોના નામની જાહેરાત કરી દેશે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસારા કોંગ્રેસ આવતીકાલે જે 5 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવાની છે. આ પહેલા પણ કોંગ્રેસે પ્રથમ ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા હતા, ગુરુવારે ગુજરાતના 5 સંભવીત ઉમેદવારના નામ લગભગ નક્કી છે.

આ નામ લગભગ નક્કી

પંચમહાલ- બી.કે. ખાંટ.

કચ્છ- નરેશ મહેશ્વરી

ગાંધીનગર- સીજે ચાવડા

નવસારી- ધર્મેશ પટેલ

બારડોલી- તુષાર ચૌધરી

આ પહેલા કોંગ્રેસે ઉમેદવારનું પ્રથમ લીસ્ટ જાહેર કર્યું હતું જેમાં  અમદાવાદ વેસ્ટથી રાજુ પરમાર, આણંદથી ભરતસિંહ સોલંકી, વડોદરાથી પ્રશાંત પટેલ અને છોટા ઉદેપુરથી રણજીત રાઠવાનું નામ જાહેર કર્યું હતું. હવે બાકીના 5 ઉમેદવારના નામની જાહેરાત કરાશે. અને 28 માર્ચ પહેલા બાકી 16 ઉમેદવાર એટલે કે ગુજરાતના તમામ 26 ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવશે.

અમિત ચાવડાએ આ બેઠક બાદ જણાવ્યું કે, આજે કોંગ્રેસ ચૂંટણી સમિતીની બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાતની બેઠકોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં 5 જેટલી બેઠકોને મંજૂરી આપી દેવામાં આવી છે, અને આવતીકાલે વિધિવત રીતે તેની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ અગામી ત્રણેક દિવસમાં ફરી સીઈસીની બેઠક મળશે અને બીજી બાકી સીટોના ઉમેદવારના નામની પણ જાહેરાત કરી દેવામાં આવશે.

(4:31 pm IST)