Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

આજે BJP ગુજરાતના ૨૫ ઉમેદવારો પર મારશે મહોર

હોમ સ્ટેટને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રહેશે સીધી નજર : ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, પ્રદેશપ્રભારી ઓમ માથુર સહિતના નેતાઓ આજે દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ સંભવિત ત્રણ ઉમેદવારની પેનલ રજૂ કરશે

નવી દિલ્હી તા. ૨૨ : ગુજરાતની લોકસભાની ૨૫ બેઠકો માટે આજે ભાજપ ગુજરાત 'સ્પેશ્યલ ૨૫' ઉમેદવારો પર આખરી મહોર મારશે. હોમ સ્ટેટને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સીધી નજર ઉમેદવારોની પસંદગીમાં રહેશે. ગઇ કાલે ગાંધીનગર બેઠક પર લાલકૃષ્ણ અડવાણીના સ્થાને અમિત શાહને ટિકિટ આપવાની જાહેરાત કરાઇ હતી.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ પ્રભારી ઓમ માથુર સહિતના નેતાઓ આજે દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ગુજરાતની ૨૫ બેઠકો માટે ભાજપના સંભવિત ઉમેદવારોના નામ રજુ કરશે અને ભાજપ હાઇકમાન્ડ સાથે ઉમેદવારોની પસંદગી માટે ચર્ચા વિચારણા કરશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઇ કાલે મીડિયાને કહ્યું હતું કે, 'આજે દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ગુજરાતનું હિયરીંગ છે. હું, પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી, પ્રદેશ પ્રભારી ઓમ માથુર, પરસોત્તમ રૂપાલા, નીતિન પટેલ, મનસુખ માંડવિયા, ભીખુ દલસાણીયા દિલ્હી જઇ રહ્યા છીએ. ત્રણ-ત્રણ ઉમેદવારોની પેનલ બનાવી છે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં આ પેનલ પ્રસ્તુત કરીશું. હાઇકમાન્ડ જે નિર્દેશ કરશે એ મુજબ આવનારા દિવસોમાં ભાજપ આગળ વધશે.'(૨૧.૧૨)

 

(11:40 am IST)