Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ગુજરાત ભાજપે પસંદગીનું 'ચિત્ર' દોર્યુ, દિલ્હીવાળા 'કલર' પૂરે છે

કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભાગ લેવા રૂપાણી, વાઘાણી, નીતિન પટેલ, ભીખુભાઈ વગેરે પહોંચ્યાઃ મોટાભાગના ઉમેદવારોની પસંદગી પૂર્ણતાના આરે, જાહેરાત તા. ૨૮મી સુધીમાં ગમે ત્યારે

રાજકોટ, તા. ૨૨ :. ગુજરાત ભાજપના પાર્લામેન્ટરી બોર્ડે ૨૬ લોકસભા બેઠકોના નિરીક્ષકો અને સ્થાનિક આગેવાનોને સાંભળીને તૈયાર કરેલ અહેવાલ આજે દિલ્હીમાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ થઈ રહ્યો છે. તેના આધારે ઉમેદવાર પસંદગીની આખરી પ્રક્રિયા થશે. પ્રદેશ ભાજપે દોરેલ ચિત્રમાં હાઈકમાન્ડે રંગ પુરવાનું શરૂ કર્યુ છે. જરૂર પડે તો ચિત્રમાં કયાંક ફેરફાર કરાશે. ગાંધીનગરની બેઠક પર અમિતભાઈ શાહનું નામ જાહેર થઈ ગયુ છે. બાકીના ૨૫ ઉમેદવારોની પસંદગી માટે આખરી કવાયત શરૂ થઈ છે.

કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભાગ લેવા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા વગેરે એ દિલ્હી પહોંચી બેઠકોનો દોર શરૂ કર્યો છે. આ આગેવાનો ઉપરાંત વી. સતિષ, પરસોતમ રૂપાલા વગેરેએ સવારે અમિતભાઈ શાહની મુલાકાત લઈ ગાંધીનગર બેઠક માટે શુભેચ્છા પાઠવી હતી.

નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ગુજરાતના જ હોવાથી ગુજરાતની રાજકીય પરિસ્થિતિ બાબતે વધુ જાણકાર હોય તે સ્વભાવિક છે. આજે પ્રદેશના આગેવાનો સાથે બેઠક યોજ્યા બાદ ઉમેદવાર પસંદગીને આખરી મહોર લાગશે. ગુજરાતમાં તા. ૨૮થી ૪ એપ્રિલ સુધી ફોર્મ ભરવાનો સમય છે તેથી ગુજરાતના ઉમેદવારો પણ અન્ય રાજ્યની સાથે તા. ૨૮ સુધીમાં જાહેર થાય તેવી સંભાવના છે.

(11:40 am IST)