Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

વડોદરા નજીક વરણામા ખાતે રાજકોટ ગુરુકુળ ની 35મી શાખાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ

વડતાલ પીઠધિસ પૂ.રાકેશપ્રસાદજી,વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીઅને સંતો ઉપસ્થિત

મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણીએ વડોદરા નજીક વરણામા ખાતે રાજકોટ ગુરુકુળની 35મી શાખા અને આંતર રાષ્ટ્રીય સ્તર ના શિક્ષણની સુવિધા આપતી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટર નેશનલ સ્કૂલનું લોકાર્પણ કર્યું હતું.સ્વામી ધર્મજીવનદાસજી સ્થાપિત આ સંસ્થાની આ નવી પહેલ પ્રસંગે વડતાલ પીઠધિસ પૂ.રાકેશપ્રસાદજી,વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,મંત્રી શ્રી યોગેશ પટેલ ,સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વિજયરથ પ્રદાન કરીને સંતોએ મુખ્યમંત્રીનું  અભિવાદન કર્યું હતું.

    રાજકોટ ગુરુકુળે સમાજને અનેક શિક્ષિત દીક્ષિત યુવાનોની ભેટ ધરી છે જે ધર્મની રક્ષા કરવાની સાથે વિવિધ ક્ષેત્રોમાં સમાજ,રાજ્ય અને દેશને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય વ્યક્તિની આધ્યાત્મિક ચેતનાને ખીલવી સમાજ જીવનને મજબૂત બનાવે છે.આ સંસ્થા દ્વારા દીક્ષિત નિર્વ્યસની રચનાત્મક યુવા શક્તિ ,શિક્ષણ આરોગ્યની સેવાઓ ગુજરાતને નમૂનેદાર રાજ્ય બનાવે છે.સંતોની સેવાએ ગુજરાતને સંસ્કારી રાજ્યની પ્રતિષ્ઠા અપાવી છે.

   મુખ્યમંત્રીએ જણાવ્યું કે એર સ્ટ્રાઈકે વિશ્વમાં દેશની અજેયતા પુરવાર કરી છે.દેશમાં રાષ્ટ્રપ્રેમનો અભૂતપૂર્વ માહોલ સર્જાયો છે.લોકોનું અને સેનાનું ખમીર ઊંચું આવ્યું છે.

   ગુજરાત સરકારે વિશ્વ કક્ષાની યુનિવર્સીટીઓ બનાવીને શિક્ષણની શ્રેષ્ઠ સુવિધાઓ યુવાનોને ઘર આંગણે ઉપલબ્ધ કરાવી છે અને જન આરોગ્યની રક્ષાના શ્રેષ્ઠ પ્રબંધો કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

 મુખ્યમંત્રીએ  સદગત અટલ બિહારી વાજપાઈજી સાથે ગુરૂકુળ ની મુલાકાતને યાદ કરી હતી અને મહાન પ્રતિભાઓના ઘડતરમાં ગુરૂકુળ પરંપરાના યોગદાનને બિરદાવ્યું હતું તથા રાકેશ પ્રસાદજી અને વ્રજરાજકુમારજી નું અભિવાદન કર્યું હતું. 

 આ પ્રસંગે એગ્રો નિગમના અધ્યક્ષ મધુભાઈ શ્રીવાસ્તવ,સાંસદ રંજનબહેન,ધરાસભ્યશ્રીઓ,મેયર,મહાનુભાવો,સંતો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા

 

(1:17 am IST)