Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

શ્યામવર્ણ ધરાવતું ૬૦૦ વર્ષ પ્રાચીન એક જ રામનું મંદિર

કાળા રામજીમાં મંદિરમાં રામ પદ્માસન મુદ્રામાં છે : હાજા પટેલની પોળના મંદિરે દેશ-પરદેશથી શ્રદ્ધાળુ આવે છે ઃ રામનવમીના પ્રસંગે ભવ્ય શ્રીરામ જન્મોત્સવ યોજાશે

અમદાવાદ,તા.૨૨: ભગવાન શ્રીરામની મૂર્તિ શ્વેત વર્ણ અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ સામાન્ય રીતે શ્યામ વર્ણની હોય છે. શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ ઇસ્કોન સહિતના કેટલાક મંદિરોમાં તો શ્વેત વર્ણની જોવા મળે છે પરંતુ ભગવાન શ્રીરામની કાળા રંગની મૂર્તિ જોઇ છે? શહેરના રિલીફરોડ પર આવેલ હાજા પટેલની પોળમાં શ્યામવર્ણ ધરાવતી અને કાળા રામજી તરીકે પ્રસિધ્ધ ભગવાન શ્રીરામનું રામજીમંદિર આવેલું છે. ૬૦૦ વર્ષ જૂનું અને ભગવાન શ્રીરામનો શ્યામવર્ણ ધરાવતું દેશભરમાં આ એકમાત્ર મંદિર છે. ઐતિહાસિક મહાત્મ્ય ધરાવતા આ મંદિરમાં સહજાનંદ સ્વામીથી લઇ અનેક મહાન સંતો-મહંતો અને વિભૂતિઓ દર્શનાર્થે આવી ચૂકયા છે. આ વખતે પણ શ્રી કાળા રામજી મંદિર ખાતે તા.૨૫મી માર્ચે રામનવમી નિમિતે શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. કાળા રામજી તરીકે સુપ્રસિધ્ધ આ મંદિરની અનેક વિશેષતાઓ અને ઇતિહાસ છે. જેમાં પ્રભુ શ્રીરામ જયારે માતા સીતા અને ભાઇ લક્ષ્મણજી સાથે વનવાસમાં ગયા અને ત્યારે ભરત સાથે મિલન થયુ તે વખતના એક દ્રશ્યને તાદ્રશ્ય કરતી મૂર્તિ મંદિરમાં જોવા મળે છે. ભગવાન રામની કાળા રંગના પથ્થરમાં કંડારાયેલી શ્યામવર્ણ મૂર્તિ પદ્માસન મુદ્રામાં સ્થિત છે. માથે જટાધારી શ્રીરામની ડાબી  બાજુ, સીતા માતા અને જમણીબાજુ ભાઇ લક્ષ્મણજી રામની સેવામાં ઉભેલા નજરે પડે છે. આ છબી પરથી જ રામ વનવાસ વખતે ભરતમિલાપનું આ દ્રશ્ય હોવાનું પ્રતીત થાય છે એમ મંદિરના પૂજારી હેમેન્દ્રભાઇ પાઢે જણાવ્યું હતું. લાકડાની સુંદર કોતરણીથી શોભતા આ મંદિરમાં ભગવાન રામની શ્યામવર્ણમાં પદ્માસનવાળી મૂર્તિ સ્વયંભૂ છે અને તેનો અનેરો મહિમા અને ચમત્કાર મનાય છે. દેશ-વિદેશથી લોકો મંદિરના દર્શનાર્થે આવે છે. પેશ્વાયુગના આ મંદિરમાં મા અંબા, હનુમાનજી અને બાલગોપાલની પણ મૂર્તિઓ સ્થાપિત છે. વર્ષ દરમ્યાન માગશર સુદ પાંચમે રામ-સીતા વિવાહ, શ્રાવણ માસમાં હિંડોળા, નવરાત્રિ દરમ્યાન ઉત્સવ અને રામનવમીએ શ્રીરામ જન્મોત્સવ સહિતના ઉત્સવો મંદિરમાં ઉજવાય છે. આ વખતે પણ તા.૨૫મી માર્ચે રામનવમીના દિવસે બુધવારે ૧૨.૦૦ વાગ્યે ભગવાન શ્રીરામનો જન્મ, ૧૨-૧૫થી હિંડોળા દર્શન, પ્રસાદ, સાંજે ૪.૦૦ વાગ્યે જન્મપત્રિકા વાંચન, સાંજે ૪.૩૦થી ૭.૩૦ દરમ્યાન જાણીતા ગુજરાતી ટીવી કલાકાર ભાલચંદ્ર શુકલના ભકિતસંગીતનો કાર્યક્રમ અને સાંજે ૮થી ૯ દરમ્યાન નોમ ઉત્સવ સંકિર્તન સાથે શ્રીરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. રામનવમીના દિવસે શ્રી કાળા રામજી મંદિર ખાતે હજારો શ્રધ્ધાળુ ભકતોના દર્શન માટે સવારે ૭.૦૦થી રાત્રે ૧૧.૦૦ વાગ્યા સુધી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

(10:22 pm IST)