Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

રીક્ષાચાલક આપઘાત કેસમાં આરોપી વ્યાજખોર ઝડપાયો

રીક્ષાચાલકે દવા પી જીવન ટૂંકાવ્યું હતુ : આપઘાત કરનાર રીક્ષાચાલકના ભાઇએ વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી ઃ બીજા વ્યાજખોરની તપાસ

અમદાવાદ,તા. ૨૨: શહેરમાં વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યાના બનાવો વધતાં જાય છે. આવા જ વધુ એક કિસ્સામાં શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા એક રીક્ષાચાલકે વ્યાજખોરોના ત્રાસ અને હેરાનગતિથી કંટાળીને આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઓઢવ પોલીસે ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ પણ કબ્જે કરી હતી અને સમગ્ર મામલામાં જરૃરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતાં અને ઓટો રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં રીક્ષાચાલક સુરેન્દ્રસિંહે ગઇકાલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગઇકાલે ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલુ કર્યું હતું. બનાવની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

આ અંગે મૃતકના ભાઇ હરેન્દ્રસિંહ બાબુભાઇ ઠાકોરે ઓઢવ પોલીસમથકમાં આરોપી વ્યાજખોરો નીલેશ રબારી અને પ્રવીણી મરાઠી વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઓઢવ પોલીસે આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતકે આત્મહત્યા પહેલા લખેલી સ્યુસાઇડ નોટ મળી આવતાં પોલીસે તેના આધારે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. સ્યુસાઇડ નોટમાં નીલેશ રબારી અને પ્રવીણ મરાઠી નામના શખ્સોના નામનો ઉલ્લેખ કરાયો છે. પૈસાને લઇ મૃતક પાસે અવારનવાર પઠાણી ઉઘરાણી કરાતી હતી અને ગંભીર ધમકીઓ આપવામાં આવતી હતી. વ્યાજની ઉંચી રકમ નહી આપી શકનાર રીક્ષાચાલદને તાજેતરમાં જ વ્યાજખોરોએ ઉઠાવી ઢોર માર પણ મારવામાં આવ્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં ખુલવા પામી હતી. જેથી પોલીસે બંને વ્યાજખોરોની તપાસ શરૃ કરી આજે એક આરોપી વ્યાજખોરની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આ સમગ્ર મામલામાં સ્થાનિક રહીશોના પણ નિવેદનો લઇ પૂછપરછ હાથ ધરી નાસતા ફરતા બીજા વ્યાજખોરની શોધખોળ ચાલુ રાખી છે.

 

(10:21 pm IST)