Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

કપરાડા નજીક પત્ની સાથે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને જીતવી સળગાવી આપઘાતનો પ્રયાસ કરતા ફરિયાદ

કપરાડા: તાલુકાના જીરવલ ગામે પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધને લઇ પત્નીએ ઝઘડો કર્યો હતો. જેમાં ઉશ્કેરાય ગયેલા પતિએ પત્નીને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યા બાદ જાતે પણ ગળે ફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ઘટનામાં બંનેના જીવ બચી ગયા હતા. કપરાડા તાલુકાના જીરવલ ગામે નાના બરડા ફળિયામાં રહેતા દિનેશ બુધિયાભાઇ વાહુતનો તેની પત્ની મંજૂલાબેન સાથે ઝઘડો થયો હતો. મંજૂલાબેને તેના પતિને રાત્રે ક્યાં જાય છે? તેવું પુછી તેના અન્ય સ્ત્રી સાથેના સંબંધની વાત કરતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં આવેશમાં આવી દિનેશે પત્ની પર પેટ્રોલ છાંટી તેને જીવતી સળગાવી મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન ફળિયાના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને મંજૂલાબેનને આગમાંથી બચાવી સારવાર માટે નાનાપોંઢા સીએચસીમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ૪ સંતાનોના પિતા દિનેશને પસ્તાવો થતાં તેણે પોતે જ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પિતાને દોરી વડે લટકતા જોઇ બાળકોએ રડારોડ શરૃ કરી હતી. જેના કારણે ફરીથી અડોશ-પડોશના લોકો દોડી આવ્યા હતા. અને બીજી તરફ દિનેશભાઇએ જે દોરી વડે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો તે દોરી તૂટી પડી હતી. દિનેશભાઇ બેહોશ થઇ ગયા હતા. જોકે, ત્યારબાદ ઘરમાં જ હોશમાં આવ્યા બાદ તેઓ ફરાર થઇ ગયા હતા. બનાવ બાદ મોડી સાંજે નાનાપોંઢા પોલીસે મંજૂલાબેનની ફરિયાદ લઇ તેના પતિ દિનેશ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

(6:10 pm IST)