Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

સમાધાન માટે ભાજપની શરતઃ કોંગીના ૩ સભ્યો સ્પીકર પાસે જઇને લેખિત માફી માંગે

આંધ્રના કેસમાં સુપ્રિમ કોર્ટે ધારાસભ્યનું લાંબા સમયનું સસ્પેન્શન માન્ય રાખ્યુ હતુ :સ્પીકર સામેની અવિશ્વાસ દરખાસ્તનું ભાવિ આજે નક્કી થશે : સત્ર સમાપ્તીથી વધુ સમય માટે સભ્યને સસ્પેન્ડ કરવાનો અધિકાર નથીઃ પરેશ ધાનાણી

રાજકોટ તા. રર :.. કોંગ્રેસના ૩ ધારાસભ્યોને ગૃહમાંથી ૩ વર્ષ માટે સસ્પેન્ડ કરવાના મુદ્ે અને ગૃહના સ્પીકર સામેની અવિશ્વાસ દરખાસ્તના મુદ્ે કોંગ્રેસ ભાજપ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ભાજપે કોંગ્રેસના ૩ ધારાસભ્યો સ્પીકરની ચેમ્બરમાં જઇને લેખિત માફી માંગે તો જ ૩ વર્ષની સજા ઘટાડીને ૧ વર્ષ કરવાનો આગ્રહ રાખ્યો છે. બીજી તરફ કોંગ્રેસે સત્ર સમાપ્તીથી વધુ સમયનું સસ્પેન્શન માન્ય નહિ હોવાનું સ્પષ્ટ કરી દીધુ છે. સ્પીકર સામેની અવિશ્વાસ દરખાસ્ત આજે ગૃહમાં દાખલ થવાની શકયતા છે. આજના વાતાવરણ આધારે દરખાસ્તનું ભાવિ નકકી થશે.

ભાજપે આંધ્ર પ્રદેશના કેસમાં ધારાસભ્યને સત્ર સમાપ્તીથી વધુ સમય માટે સસ્પેન્ડ કરવાનો અધ્યક્ષના નિર્ણયને માન્ય રાખ્યાનો દાવો કર્યો છે. કાનૂની લડતની કોંગ્રેસની ચીમકી સામે ભાજપે દલીલના આવા સબળ પાસા શોધવાનું શરૂ કર્યુ છે.વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવેલ કે બહુમતીથી પદ બચાવી શકાય પણ આબરૂ નહિ. અધ્યક્ષ પાસે સભ્યને સત્ર સમાપ્તીથી વધુ સમય સુધી સસ્પેન્ડ કરવાનો અધિકાર નથી. ગૃહમાં સરકારની બહુમતી હોય અને અધ્યક્ષ શાસક પક્ષના જ હોય તેથી જો આ ૩ સભ્યોના સસ્પેન્શનને માન્ય રાખવામાં આવે તો ભવિષ્યમાં સરકાર બહુમતીના જોરે સમગ્ર વિપક્ષને પાંચ વર્ષ માટે પણ ગૃહની કાર્યવાહીથી દૂર કરતા અચકાશે નહિં.

(4:42 pm IST)