Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

જંત્રી જૈસે થેઃ વધારો ટાળતી સરકાર

સળંગ ૭ વર્ષ સુધી જંત્રીમાં કોઇ ફેરફાર ન થવાની પ્રથમ ઘટના

રાજકોટ તા.રર : રાજય સરકાર દ્વારા જંત્રીમાં વધારો ઘટાડો કરવાના વિચાર પડતો મુકવામાં આવ્યાનું જાણવા મળે છે. મિલ્કત ખરીદતા લોકો માટે આ રાહતના સમાચાર છે. મિલ્કતની ખરીદી વખતે જંત્રી મુજબ (જમીનના સરકારી ભાવ જંત્રી તરીકે ઓળખાય છે) કિંમત નકકી કરી સ્ટેમ્પ ડયુટી વસુલવામાં આવે છે. જંત્રી વધે તો તેનેે અનુરૂપ વધારાની સ્ટેમ્પ ડયુટી વાપરવી પડે તેનું ભારણ ખરીદનાર પર આવે, પરંતુ સરકારે નજીકના ભવિષ્યમાં જંત્રી નહી વધારવાનું મન બનાવ્યું છે.

સામાન્ય રીતે દર એપ્રિલમાં જંત્રી વધવા પાત્ર હોય છે. ઘણા રાજયોમાં આ પધ્ધતિ અમલમાં છે. ગુજરાતમાં છેલ્લે ર૦૧૧માં જંત્રી વધી હતી. ત્યારબાદ જુદી જુદી ચુંટણીઓ તેમજ અન્ય કારણોસર જંત્રી વધારો પાછો ઠેલાતો રહયો છે. હાલ મંદીની તીવ્ર અસર અન લોકસભાની આવી રહેલ ચુંટણી ધ્યાને રાખી સરકારે જંત્રીમા કોઇ જ ફેરફાર કરવાનું જોખમ ટાળ્યું છે. હાલ જે જંત્રી છે તે જ યથાવત રહેશે. ર૦૧૯ પહેલા જંત્રીમાં વધારાની  કોઇ સંભાવના ન હોવાનું સરકારના ટોચના વર્તુળો જણાવે છે.

(3:22 pm IST)