Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

બે વર્ષથી વીજ યુનિટના ભાવ યથાવત

ઘર વપરાશમાં ૧૦ પૈસા ઘટાડયા છેઃ લલિત વસોયાને સરકારનો જવાબ

ગાંધીનગર, તા. ૨૨ :. રાજ્યમાં વીજ કંપનીઓએ વીજ દરમાં કરેલ વધારા-ઘટાડા અંગે કોંગ્રેસના લલિત વસોયાના પ્રશ્નના ઉત્તરમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યુ હતુ કે રાજયના તમામ પ્રકારના વીજ જોડાણો નક્કી કરવાની સત્તા ગુજરાત વીજ નિયમન આયોગના કાર્યક્ષેત્ર હેઠળની છે. તદનુસાર વર્ષ ૨૦૧૬માં તા. ૧-૪-૧૬ની અસરથી વીજ નિયમન આયોગ દ્વારા રાજ્ય સરકાર હસ્તકની વીજ કંપનીઓના વીજ ગ્રાહકોના વીજ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે વીજદરમાં થયેલ ઘટાડાની વિગતો આ મુજબ છે.

ઉર્જામંત્રીએ જણાવેલ કે, ઘર વપરાશ હેતુના વીજ ગ્રાહકોના એનર્જી ચાર્જમાં ૧૦ પૈસા - યુનીટનો ઘટાડો, અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી હેઠળ સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વપરાશ માટેના વીજ ગ્રાહકોને શહેરી વીજ દરને બદલે લાગુ પડતો હતો તેના બદલે ગ્રામ્ય ઘર વપરાશ વીજ દર લાગુ પડતા પ્રતિ યુનિટ ૩૦-૪૦ પૈસાનો ઘટાડો, હળવા વીજ દબાણના ઔદ્યોગિક-વાણિજ્ય (એલટીએમડી) વીજ ગ્રાહકોના એનર્જી ચાર્જમાં ૧૦ પૈસા-યુનિટનો ઘટાડો, ભારે વીજ દબાણના (એચટીપી-૧) વીજ ગ્રાહકોના ચાર્જમાં ૧૪ પૈસા - યુનિટનો ઘટાડો, ફકત રાત્રી દરમ્યાન ઉપયોગ કરવા ભારે વીજ દબાણના વીજ ગ્રાહકો (એચટીપી-૩)ના એનર્જી ચાર્જમાં ૧૫ પૈસા-યુનિટનો ઘટાડો કરાયો છે.

જ્યારે વર્ષ ૨૦૧૭માં તા. ૧-૪-૨૦૧૭ની અસરથી વિજ નિયમન આયોગના આદેશ મુજબ વીજ દરમાં કોઈ પણ પ્રકારનો વધારો-ઘટાડો કરવામાં આવેલ નથી.

વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં રાજ્ય હસ્તકની વીજ કંપનીઓના ફયુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ પેટે વીજ નિયમન આયોગ દ્વારા નક્કી કરેલ ફોર્મ્યુલા મુજબ ત્રિમાસિક ગાળા દરમ્યાન કરેલ વધારો-ઘટાડો કરેલ છે.

(1:00 pm IST)