Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

માથામાં દુઃખાવાની તકલીફ સાથે હોસ્પિટલમાં દાખલ મહિલાનું મોત:પીએમમાં ખોપડીમાં ઇજા થયાનું ખુલ્યું

અડાજણની ત્રણ સંતાનોની માતાના મૃત્યુનું રહસ્ય ઉકેલવા પોલીસની મથામણ

સુરત :માથામાં દુઃખાવાની તકલીફ સાથે હોસ્પિટલમાં ખસેડાયેલી અડાજણના હનીપાર્ક રોડની મહિલાનું મોત નીપજ્યાં બાદ પોસ્ટમોર્ટમમાં ખોપડીમાં ઇજા થઈ હોવાનું બહાર આવતા તેણીના મોતનું રહસ્ય ઉકેલવા પોલીસ તપાસ હાથ ધરી છે આ અંગે મળતી માહિતી મુજબ અડાજણ, હનીપાર્ક રોડ ખાતે આવેલા એસએમસી ક્વાટર્સમાં રહેતી બિષ્ના તીખાતરી (ઉં.વ.૩૨)ને ગઈકાલે માથામાં દુઃખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. તબીબી સારવારના કાગળોમાં બ્લડ પ્રેસરની સારવાર કરાઈ હોવાની નોંધ કરાઈ હતી. બનાવની જાણ થતા અડાજણ પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં પોસ્ટમોર્ટમ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. મૃતક બિષ્નાને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.

પીએમ કરનાર ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ દરમિયાન ખોપડીમાં ઇજા મળી આવી હતી, જેને લઈ શંકા વ્યક્ત કરાઈ છે. આ ઇજા કયા સંજોગોમાં થઈ એ પોલીસ તપાસમાં બહાર આવી શકે છે. બીજી બાજુ પોલીસે જણાવ્યું હતું કે, પરિવારની પૂછપરછ દરમિયાન બાથરૃમમાં પડી જવાથી મૃતક બિષ્નાને માથામાં ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ પ્રકારની ઇજા પડી જવાથી થાય છે કે નહીં? તે જાણવા માટે તબીબનો અભિપ્રાય લેવામાં આવશે. બનાવ અંગે અડાજણ પોલીસ તપાસ કરી રહી છે.

(1:19 am IST)