Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

વડોદરામાં એસએમ યુનિ,કેમ્પસમાં બે જૂથ વચ્ચે બઘડાટી :કુંજલ પટેલને માથામાં ઇજા

એન.એસ.યુ.આઇ. અને વીવીએસના ટેકેદારો વચ્ચે છુટ્ટાહાથની મારામારી :કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાયું

 

વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટી ખાતે પોલિટેકનિક કેમ્પસમાં એન.એસ.યુ.આઇ. અને વીવીએસના ટેકેદારો વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઇ હતી.વિજીલન્સ અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચતા મામલો થાળે પાડ્યો હતો. જોકે સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલ ફોનમાં કેદ થતા વિદ્યાર્થીઓ વચ્ચેની છુટ્ટા હાથની મારામારી સ્પષ્ટ જોવા મળી રહી છે.

એમ.એસ.યુનિવર્સિટીમાં ગત વર્ષે યોજાયેલી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં વીવીએસમાંથી અમીષ પઢીયાર સી.આર.ની પોસ્ટ માટે ચૂંટણી લડ્યો હતો. જોકે ચૂંટણી જીત્યા બાદ તે ટુંક સમય પહેલા એન.એસ.યુ.આઇ સામેલ થઇ ગયો હતો અને અમીષ પઢીયાર જ્યારે ગત રોજ પોલિટેકનિક કેમ્પસમાં હતો ત્યારે વીવીએસના કેટલાક ટેકેદારો સાથેની ઉગ્ર બોલાચાલી થઇ હતી. ઉગ્ર બોલાચાલીમાં અમીષને માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની હતી.
  
આજે પોલિટેકનિકના જી.એસ. અમર વાઘેલા અને ટેકેદારો દ્વારા પોલિટેનિકના ડીનને આવેદન પત્ર આપવા માટે એકત્ર થયા હતા. એક તરફ ડીનને આવેદન પત્ર આપવામાં આવી રહ્યું હતુ ત્યારે બીજી તરફ આર.ટી. હોલ પાસે ઉભેલા વીવીએસના સભ્ય કુંજલ અકબરી ઉપર એનએસયુઆઇના કેટલાક ટેકેદારો દ્વારા હુમલો કરી ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો. જેમાં કુંજલ અકબરીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તે લોહીમાં લથપથ થઇ ગયો હતો.

બનાવની જાણ વિજીલન્સ અને ફતેગંજ પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. જોત જોતામાં પોલિટેકનિક કેમ્પસ પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયુ હતુ. બનાવને પગલે બન્ને પક્ષો દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપવામા આવી છે.

(1:57 am IST)