Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

પંચમહાલમાં પીકઅપ વાન પલટી મારતા જ બિયરની રસ્તામાં રેલમછેલ: લોકોએ ઘટના સ્થળે જ 'પાર્ટી' કરી

પિકઅપ વાનનું ટાયર ફાટતા ગાડી પલટી મારી: લોકોએ બિયરની લૂંટફાટ મચાવી : કેટલાક રસ્તામાં જ ઢીચવા લાગ્યા

પંચમહાલ : રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર નવાર દારૂ ઝડપવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે  જાંબુઘોડા તાલુકાના ઝબાણ ગામ પાસે બિયર ભરેલી પીકઅપ વાન પલટી મારી જતા  ગામજનોએ બીયરની રીતસરની લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં તો કેટલાક લોકો તો બીયરના ટીન ઘટના સ્થળે જ પીવા લાગ્યા હતા. આ ઘટનાને પગલે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

 આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ઝબાણ ગામ પાસે બીયર ભરીને હાલોલ જઈ રહેલી એક પિકઅપ વાનનું ટાયર ફાટતા ગાડી પલટી મારી ગઈ હતી. આ પિકઅપ વાનમાં બીયરની પેટીઓ હતી. અકસ્માતના પગલે તમામ બીયરની પેટીઓ રોડ પર રેલમછેલ અવસ્થામાં પડી હતી. આ ઘટનાની વાયુવેગે આસપાસના લોકોને જાણ થતા લોકો બીયરના ટીન લેવા અફરા તફડીનો માહોલ કરી મૂક્યો હતો. લોકોએ બીયરની પેટીઓ અને ટીનની રીતસરની લૂંટ ચલાવી હતી. તો અમુક એવા પણ લોકો હતા કે જેઓ ઘટના સ્થળે જ ટીન તોડીને બીયર પીવા લાગ્યા હતા.

આ ઘટનાની જાણ પોલીસને થાય તે પહેલા પીકઅપ વાનમાંથી બીયરના ટીન અને પેટીઓ ખલાશ થઈ ગયા હતા. આ વિસ્તારમાં મોબાઈલ ટાવરનો પ્રોબ્લેમ હોવાના કારણે પોલીસને પહોંચવામાં થોડો સમય લાગ્યો હતો. અકસ્માતના પગલે પીકઅપ વાનનો ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ઘટનામાં ગાડી કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનામાં પોલીસને માહિતી મળી હતી કે, પીકઅપ વાનમાં બિયરનો જથ્થો મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યો હતો અને સાવલી ખાતે લઈ જવાતો હતો. જોકે અકસ્માત બાદ બિયરનો તમામ જથ્થો લૂંટાઇ ગયો હતો. પોલીસે સ્થળ ઉપર પહોંચ્યા પછી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.

(11:07 pm IST)