Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

વડોદરા : પ્રચંડ અકસ્માતમાં ૧૨થી વધુ લોકોના મોત થયા

આઈસર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો : વડોદરાના પાદરાના રણુ નજીક અકસ્માત : આઠ લોકોના ઘટનાસ્થળ ઉપર મોત : આઈસરમાં ૫૦ મુસાફરો હતા

અમદાવાદ, તા. ૨૨ : વડોદરાના પાદરાના રણુ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૨ લોકોના મોત થઇ ગયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આ અકસ્માત એટલો પ્રચંડ હતો  કે, આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. હજુ સુધી ૧૨ના મોત થઇ ચુક્યા છે. તમામ લોકોને પાદરા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આઈસર અને ડમ્પર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. મૃત્યુ પામેલાઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા લોકોની હજુ સુધી ઓળખ કરવામાં આવી નથી. પ્રાપ્ત માહિતી મુજબ લગ્ન પ્રસંગમાં મોસાળુ લઇને પરત ફરતા મોસાળિયાઓને પાદરાના રણુ નજીક અકસ્માત નડ્યો હતો.

         આઈસર અને ડમ્પર ધડાકા સાથે અથડાયા હતા. આઈસરમાં ૫૦થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. બનાવની જાણ થતાં તરત જ પોલીસ ટુકડી અને ૧૦૮ની ટીમ પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને પાદરા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃત્યુ આંક વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અકસ્માતના સંદર્ભમાં માહિતી આપતા પોલીસે કહ્યું હતું કે, ઇજાગ્રસ્તો અને મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો શરૂ થઇ ગયા છે. કેટલાકની ઓળખ કરી લેવામાં આવી છે. બીજી બાજુ અકસ્માતના સંદર્ભમાં પરિવારને જાણ કરવામાં આવી ચુકી છે. આઈસરમાં આટલી મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા હતા તેને લઇને પણ સવાલ થઇ રહ્યા છે. બીજી બાજુ ડમ્પરને આવરી લેતા અકસ્માતો હાલના સમયમાં વધ્યા છે. ડમ્પર ચાલકો દ્વારા બેફામ ડ્રાઇવિંગને લઇને શહેરમાં પણ અકસ્માતના કેટલાક કિસ્સાઓ હાલના સમયમાં સપાટી ઉપર આવ્યા છે જેમાં સ્કુલ અને કોલેજના વિદ્યાર્થીઓએ પણ જાન ગુમાવી છે. આ અકસ્માતમાં પણ પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

(9:37 pm IST)