Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ટ્રમ્પના આગમન પહેલા જ સ્ટેડિયમની બહાર દિલ્હી અને ગુજરાત પોલીસ વચ્ચે રક્ઝક થઇ

સ્ટેડિયમની અંદર પ્રવેશ અને પાર્કિંગ મામલે માથાકૂટ:આખરે મામલો થાળે પડ્યો

અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન ર મોદી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. પોલીસ દ્વારા અમદાવાદમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આ બંદોબસ્તની વચ્ચે ક્યાંકને ક્યાંક સુરક્ષા એજન્સીઓ વચ્ચે તાલમેલ નહીં હોવાનું સામે આવ્યું છે કારણ કે, સ્ટેડિયમમાં પ્રવેશવાની વાતને લઇને ગુજરાત પોલીસ અને દિલ્હી પોલીસ વચ્ચે માથાકૂટ થઇ હતી. છેલ્લે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પડતા દિલ્હી પોલીસને સ્ટેડિયમની અંદર જવા માટેની મંજૂરી આપવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર મોટેરા સ્ટેડિયમના ગેટ નંબર ત્રણ પરથી દિલ્હી પોલીસ દ્વારા સ્ટેડિયમની અંદર જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. તે સમયે ગુજરાત પોલીસ દ્વારા દિલ્હી પોલીસને સુરક્ષાનું કારણ આગળ ધરીને સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આ ઉપરાંત પાર્કિંગમાંથી દિલ્હી પોલીસની કારને પણ હટાવી દેવામાં આવી હતી. તેથી દિલ્હી અને ગુજરાત પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

ઘર્ષણબાદ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આવ્યા હતા અને ત્યારબાદ દિલ્હી પોલીસને સ્ટેડિયમની અંદર જવા દેવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસ દ્વારા તેમના આઈકાર્ડ પણ ગુજરાત પોલીસને બતાવવામાં આવ્યા હતા છતાં પણ તેમને સ્ટેડીયમમાં એન્ટ્રી આપવામાં આવતી નહોતી. આ ઘટના પરથી ક્યાંકને ક્યાંક નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પોલીસ અને સુરક્ષા એજન્સી વચ્ચે તાલમેલનો અભાવ હોય તેવું દેખાઈ રહ્યું છે.

(9:10 pm IST)