Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

IDBI લોકરથી ૬૦ તોલા સોનુ, ૮ કિલો ચાંદી ગાયબ

ચોરી કરનાર ૧૦૧ રૂપિયા મૂકી ગયો હોવાની ચર્ચા : એનઆરઆઇ તૃપ્તિબહેન મહેતાના લોકરમાંથી ચોરે હાથ સાફ કર્યો : નવરંગપુરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ

અમદાવાદ,તા. ૨૨ : શહેરમાં ચોરી-લૂંટના નીતનવા કિસ્સા સામે આવી રહ્યા છે, હવે તો, તમારા બેન્કના લોકરમાં મૂકેલા દાગીના પણ સુરક્ષિત નથી. એનઆરઆઈ અને નવરંગપુરામાં રહેતી મહિલાના આઈડીબીઆઈ બેન્કના લોકરમાંથી ૬૦ તોલા સોનું અને ૮ કિલો ચાંદી મળી ૩૦ લાખની મતાની ચોરીની ઘટના પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં એનઆરઆઇ મહિલાએ નવરંગપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આશ્ચર્યની વાત તો એ હતી કે, લોકરમાં હાથ સાફ કરનાર ચોરે માતાજીનો એક ફોટો અને ૧૦૧ રૂપિયા હતાં. આ જોઇ મહિલાના હોશ ઊડી ગયા હતા. મહિલાએ તા. ૧૭ ફેબ્રુઆરીએ પોલીસને અરજી આપી હતી,

        જો કે, ટ્રમ્પના બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસે હવે આ અંગે છેક ગઈકાલે ગુનો દાખલ કર્યો હતો. આ ચકચારી કિસ્સાની વિગત એવી છે કે, નવરંગપુરામાં આવેલા વર્ધમાન ફ્લેટમાં રહેતાં અને અમેરિકાના પર્યાવરણ ડિપાર્ટમેન્ટમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતાં તૃપ્તિબહેન મહેતા તૃપ્તિબહેન મહેતા છેલ્લાં વીસ વર્ષથી અમેરિકા પરિવાર સાથે સ્થાયી થયાં છે અને તેમના કુટુંબના સભ્યો અમદાવાદ રહેતા હોવાથી તેઓ અવારનવાર અમદાવાદ આવતાં હતાં. તૃપ્તિબહેને વર્ષ ર૦૧૬માં નવરંગપુરા સીજીરોડ બોડીલાઈન ચાર રસ્તાથી ગુલબાઈ ટેકરા તરફ જતા રોડ પર આવેલી આઈડીબીઆઈ બેન્કમાં લોકર નંબર પર૦ રાખ્યું હતું. આ લોકરમાં તેમનાં સોના-ચાંદીના દાગીના મૂકીને તે પાછાં અમેરિકા ગયાં હતાં. ત્યારબાદ નવેમ્બર-ર૦૧૭માં તૃપ્તિબહેન પરત અમદાવાદ આવ્યાં ત્યારે તેમણે લોકરમાં બે સોનાની બંગડીઓ અને સોનાનું પેન્ડલ આશરે પાંચ તોલા જેટલા દાગીના મૂક્યા હતા.

       તે સમયે અગાઉ મૂકેલા દાગીના લોકરમાં જ હતા. ત્યારબાદ ફરી એક વાર તૃપ્તિબહેન તા. ૧ર ફેબ્રુઆરી, ર૦ર૦ના રોજ અમેરિકાથી અમદાવાદ પરત આવીને દાગીના લેવા બેન્કમાં ગયાં હતાં. તે સમયે તૃપ્તિબહેને લોકર ખોલવાનું હોવાથી બેન્ક કર્મચારીની હાજરીમાં લોકર ખોલવાની બે વાર કોશિશ કરી હતી, પરંતુ લોકર ખૂલતું ન હતું, જેથી બેન્કના અધિકારીએ તૃપ્તિબહેનને લોકર તોડવા કંપનીવાળાને બોલાવીશું તમે કાલે આવજો તેમ કહ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે તૃપ્તિબહેનને બોલાવી બેન્કના અધિકારીઓએ મિસ્ત્રી દ્વારા તૃપ્તિબહેનની હાજરીમાં લોકર તોડ્યું તો તેમાં મૂકેલા દાગીના ગાયબ હતા અને તેની જગ્યાએ માતાજીનો ફોટો અને રૂ.૧૦૧ રૂપિયા જ હતાં. આ જોઇ તૃપ્તિબહેનના તો હોશ ઊડી ગયા હતા.

       તેમણે બેન્ક સત્તાવાળાઓને કહ્યું કે લોકરમાંથી દાગીના ચોરાયા છે, પરંતુ તેઓ તેમની વાત માનવા તૈયાર જ ન હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસે પહેલાં અરજી લીધી હતી અને તપાસ કર્યા પછી જ ફરિયાદ નોંધી છે. તૃપ્તિબહેનનાં બેન્કમાં પર૦ નંબરનાં ત્રણ લોકર છે. બેન્કનું લોકર એક વર્ષમાં એક વખત ઓપરેટ કરવાનું ફરજિયાત છે. તૃપ્તિબહેન અમેરિકા રહેતાં હોવાથી વર્ષમાં એક વાર લોકર ખોલવું જરૂરી હોવાથી તેમણે બે વાર બેન્કમાં અરજી આપી હતી, જયારે તા. ૧૩ ફેબ્રુઆરી, ર૦ર૦ના રોજ લોકર ખૂલતું ન હતું ત્યારે લોકર તોડતા હતા તે સમયે તૃપ્તિબહેનની નજર તેમના લોકર પર પડી હતી. લોકરની આસપાસ ઘસરકા અને તેને તોડવાનાં નિશાન હતાં. બીજીબાજુ, બેન્કમાં પર૦ નંબરનાં બે લોકર છે. એકવાર તેમણે ભૂલથી બીજા પર૦ નંબરનું લોકર ઓપરેટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે લોકર ખૂલ્યું ન હતું. તૃપ્તિબહેનના લોકરમાં મૂકેલા સોનાના દાગીના આશરે ૬૦ તોલા અને ચાંદીના દાગીના આઠ કિલો, જેની કિંમત ૩૦ લાખ છે. દાગીના કર્મચારી કે અન્ય કોઈ વ્યક્તિ બેન્કમાંથી ચોરી ગઇ હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

(8:52 pm IST)