Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

નમસ્તે ટ્રમ્પ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કાલથી ગુજરાત યાત્રાએ

કાર્યક્રમને લઇ તૈયારીઓનું નિરીક્ષણ કરશે : ત્રણ દિવસના પ્રવાસ દરમ્યાન ગૃહમંત્રી સંગઠનના આગેવાનો સાથે રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરશે

અમદાવાદ,તા. ૨૨ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને પીએમ મોદીની તા.૨૪ ફેબ્રુઆરીની મુલાકાત, તેમના મેગા ઇન્ડિયા રોડ શો અને મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇને અમ્યુકો, સરકાર, પોલીસ અને વહીવટી તંત્ર સહિતના સંબંધિત તમામ લોકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના આયોજન અને તૈયારીઓના વિશેષ નીરીક્ષણ અર્થે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમના આ પ્રવાસ દરમ્યાન સતત ત્રણ દિવસ એટલે કે તા.૨૩,૨૪ અને ૨૫ ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં રોકાશે.

        આ દરમિયાન તેઓ આવતીકાલે તા.૨૩ ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે મોટેરા સ્ટેડિયમની પણ મુલાકાત લેશે. જયાં તેઓ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ, આયોજન સહિતની એકએક બાબતોને બારીકાઇથી નિહાળી નીરીક્ષણ કરશે અને જરૂર પડયે સ્થાનિક અધિકારીઓ અને પોલીસ-સુરક્ષા જવાનોને સૂચના પણ આપશે. તા.૨૪મી ફેબ્રુઆરીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અમિત શાહ તા.૨૫મી ફેબ્રુઆરીના રોજ મંગળવારે પી.જે.કે.પી.વિદ્યાર્થી ભવનના શિલાયન્સ કાર્યક્રમમાં હાજરી આપશે.

        ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગાંધીનગર લોકસભાના સાંસદ  અમિત શાહ તેમની ગુજરાતની મુલાકાત દરમ્યાન તા.૨૫ ફેબ્રુઆરીના રોજ મંગળવારે અમદાવાદ શહેરના ગુલબાઇ ટેકરા એલિસબ્રિજ ખાતે આવેલી  જાણીતી અમીન પી.જે.કે.પી વિદ્યાર્થી ભવનનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મેહસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ અને ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રેહનાર છે. આ અદ્યતન સંકુલ જૂન-૨૦૨૧ થી કાર્યરત થઇ જશે તે માટેના તમામ પ્રયાસો હાલ પૂરજોશમાં ચાલી રહ્યા છે. બીજીબાજુ, અમિત શાહની ગુજરાત મુલાકાતને લઇને ફરી સંગઠનમાં વિવિધ નિમણૂંકોને લઇ અટકળો ચાલી રહી છે. ત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી સંગઠનના આગેવાનો સાથે રાજ્યની હાલની રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરશે અને કેટલીક મહત્વની સૂચનાઓ-નિર્દેશો જારી કરશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની યાત્રા...

*   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ત્રણ દિવસની યાત્રાએ ગુજરાત પહોંચશે

*   અમિત શાહ વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ પહેલા અમદાવાદ પહોંચીને જરૂરી તૈયારીઓની સમીક્ષા કરશે

*   મોટેરા સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમની તૈયારીની પણ સમીક્ષા કરશે

*   અમિત શાહની ગુજરાત મુલાકાતને લઇને સંગઠનમાં જુદી જુદી નિમણૂંકની પણ અટકળો શરૂ થઇ

*   સંગઠનના આગેવાનો, રાજ્યની રાજકીય સ્થિતિ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરશે

*   તમામ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને જરૂરી માર્ગદર્શન સાથે સુચનાઓ આપશે

*   ટ્રમ્પના કાર્યક્રમની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી

(8:49 pm IST)