Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ટ્રમ્પ અભિવાદન સમિતિના સભ્યો સ્ટેડિયમ પર પહોંચ્યા

મેયર સહિતના સભ્યોએ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું : મેયર અને બે સાંસદ બેઠકમાં હાજર : સમિતિની એકાએક રચનાને લઇ સવાલો : સ્ટેડિયમના નિરીક્ષણની કામગીરી

અમદાવાદ, તા.૨૨ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૪મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે તે અગાઉ અમ્યુકો દ્વારા તાબડતોબ ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિની રચના કરી દેવાતાં તેને લઇને પણ ચર્ચા અને સવાલો ઉઠ્યા છે. અલબત્ત, ટ્રમ્પના સાડા ત્રણ કલાકના કાર્યક્રમ માટે રચાયેલી ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની પ્રથમ બેઠક માત્ર ૧૦ મિનિટમાં જ સમેટાઈ ગઈ હતી. બેઠક બાદ મેયર સહિતના તમામ સભ્યોએ મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું અને ચૂપચાપ રવાના થઇ ગયા હતા. આ બેઠકમાં સમિતિના સભ્યો એવા અમદાવાદના બે સાંસદ ડો.કિરીટ સોલંકી અને હસમુખ પટેલ, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા,

        પદ્મભૂષણ બી.વી.દોશી, ચેમ્બર ઓફ કોમર્સના દુર્ગેશ બુચ સામેલ થયા હતા. આ બેઠક બાદ સમિતિના સભ્યો મોટેરા સ્ટેડિયમની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે અધિકારીઓ સાથે ચર્ચા કરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સમિતિમાં અન્ય બે સભ્ય તરીકે પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને જીટીયુના કુલપતિ ડો.નવીન શેઠ પણ હાજર જોવા મળ્યા હતા, જે સમિતિની પ્રથમ બેઠકમાં આ બંને સભ્યો ગેરહાજર રહ્યા હતા.ટ્રમ્પની તા.૨૪મીની મુલાકાત પહેલાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો કે, મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ નામની કોઈ સંસ્થા યોજી રહી છે. ત્યારબાદ અચાનક જ આ સમિતિની રચના કરી મેયર બીજલ પટેલને ચેરમેન બનાવ્યા હતા.

          જેમાં બે સાંસદ એવા ડો.કિરીટ સોલંકી અને હસમુખ પટેલને પણ સમિતિના સભ્ય બનાવ્યા હતા. આમ પહેલા ટ્રમ્પને આમંત્રણ આપવામાં આવ્યું અને ત્યારબાદ આયોજન થયું અને અંતે બે દિવસ પહેલા યજમાન નક્કી થયા છે. નાગરિક અભિવાદન સમિતિના ચેરમેન બન્યા બાદ મેયર બીજલ પટેલનો મોબાઇલ સતત સ્વીચ ઓફ આવતો હતો. બીજી બાજુ કમિટીના અન્ય સભ્યોને તેમની ભૂમિકાને લઇને પણ કોઇ સ્પષ્ટતા નહોતી. દરમ્યાન આ સમગ્ર મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જ્યારે આ અંગે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, તેમાં સરકારની કોઇ ભૂમિકા નથી. જો કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પના આગમનની જાહેરાત કરી ચૂક્યા હતા. વડાપ્રધાન વતી પણ ટ્વીટર પર વેલકમ કરવામાં આવ્યું હતું. ઘણા મંત્રીઓ, અધિકારીઓ તેની તૈયારીમાં લાગેલા છે. છતાં અત્યાર સુધી આ અભિનંદન કમિટી તરફથી કોઇ નિવેદન અપાયું નથી.

         આ અગાઉ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, નમસ્તે ટ્રમ્પના નિમંત્રક અમદાવાદ નગર નિગમ અને કલેક્ટર છે. આ સમારોહ પાછળ અંદાજે રૂ.૧૦૦  કરોડથી વધુનો ખર્ચનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. સરકાર સીધું ડોનેશન ન લઈ શકે એટલે આ સમિતિએ કરેલા ખર્ચનું કોઇ ઓડિટની જરૂર રહેશે નહીં, કારણ કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તરત જ આ સમિતિનું અસ્તિત્વ નષ્ટ કરી દેવાશે. ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે તો, બીજીબાજુ, ટ્રમ્પનો કાર્યક્રમ એ કોઇ સરકારી કાર્યક્રમ કે અમેરિકન સરકાર તરફથી ઘોષિત સત્તાવાર મુલાકાત નથી. તેથી ગુજરાત કે ભારત સરકાર તે આયોજનના યજમાન તરીકે જવાબદારી ઉપાડી શકે નહીં. આમ, ટ્રમ્પની મુલાકાતને લઇ અનેક સવાલો અને વિવાદો પણ હવે જોડાઇ રહ્યા છે. આવનારા દિવસોમાં વિપક્ષ કોંગ્રેસ આ સમગ્ર મામલે ભાજપને સાણસામાં લેવાની તજવીજ કરી રહી છે.

(8:48 pm IST)