Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

મેગા શોને લઇને રિહર્સલનો દોર જારી : તંત્ર સંપૂર્ણ સજ્જ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત ટોક ઓફ ધ ટાઉન બની : રૂટ પર ભારત અને અમેરિકાના રાષ્ટ્રધ્વજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફોટાવાળા બેનરો છવાયા : લોકોમાં ઉત્સુકતા સતત વધી

અમદાવાદ,તા. ૨૨ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મલેનિયાને તા.૨૪મી ફેબ્રુઆરીએ આવકારવા અને તેમના ભવ્યાતિભવ્ય સ્વાગત માટેની તડામાર તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ખાસ કરીને ટ્રમ્પ અને મોદીના મેગા ઇન્ડિયા રોડ શો અને મોટેરા સ્ટેડિયમમાં તેમના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને જબરદસ્ત સફળ બનાવવા માટે ખુદ રાજય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વહીવટી તંત્ર અને ખુદ ભાજપના નેતાઓ અને આગેવાનો દોડધામ કરી રહ્યા છે અને ઉપરથી મળેલી સૂચના મુજબ, લાખોની જનમેદની તા.૨૪મી ફેબ્રુઆરીએ  એકત્ર કરવામાં સૌકોઇ જોતરાયા છે. તો, બીજીબાજુ, ટ્રમ્પ અને મોદીની મુલાકાત, વિશાળ રોડ શો અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇ અમેરિકી સુરક્ષા એજન્સીઓને લઇ સ્થાનિક પોલીસ, બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ફુલપ્રુફ સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવાઇ છે. આજે મેગા રોડ શોના સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા વિધિવત્ ફરી એકવાર રિહર્સલ કરવામાં આવ્યું હતુ,

         જેમાં પોલીસના અત્યંત આધુનિક સુરક્ષા ઉપકરણો સાથેના સાધનો, જીપ સહિતના વાહનોનો લાંબો ખડકલો રૂટના માર્ગો પર જોવા મળતો હતો. તો, સાથે સાથે રૂટના માર્ગો અને સ્થાનો પર ભારત અને અમેરિકાના રાષ્ટ્રધ્વજ, મોદી-ટ્ર્મ્પના ફોટાવાળા બેનરો, રોડ-શો અને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના બેનરો સહિતના કટઆઉટ અને આકર્ષણો છવાયા હતા. જેને લઇને હવે ટ્રમ્પની અમદાવાદ મુલાકાત જાણે ટોક ઓફ ધી ટાઉન બની છે.,

      તો તંત્રની સાથે સાથે હવે સ્થાનિક લોકોમાં પણ ટ્રમ્પ અને તેમની પત્નીની તા.૨૪મીની મુલાકાતને લઇ ભારે ઇન્તેજારી જોવા મળી રહી છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મલેનિયાની તા.૨૪મી ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાત પહેલાં અમદાવાદ એરપોર્ટ પર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા વિશેષ પ્રકારે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ પર આવતાં તમામ મુસાફરો અને તેમના માલ-સામાનની બારીકાઇથી ચેકીંગ અને તપાસ થઇ રહ્યા છે. તો, ટ્રમ્પ-મોદીના મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇ ટેલિકોમ્યુનિકેશન માટે સ્ટેડિયમ ખાતે ખાસ પ્રકારે ટ્રી ટાવર ઉભા કરાયા છે કે જેથી ઇમરજન્સીમાં પોલીસ, સુરક્ષા એજન્સીના અધિકારીઓ વચ્ચે તાત્કાલિક અને અસરકારક સંપર્ક શકય બને.

       તો સાથે સાથે મોટેરા સ્ટેડિયમમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને જ પ્રવેશ રહેશે. આ સિવાય ટ્રમ્પ અને મોદી એરપોર્ટથી શહેરના જે રૂટના માર્ગો પરથી નીકળવાના છે ત્યાં વચ્ચે વચ્ચે ઉભા કરાયેલા ૨૮થી વધુ સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમોની તૈયારીઓ અને રિહર્સલ પણ પૂરજોશમાં ચાલી રહ્યા છે. રોડ શોના રૂટ પર આજે પણ પોલીસની સેંકડો ગાડીઓ સાથે રિહર્સલ કરાતાં રથયાત્રા કરતાં પણ ફુલપ્રુફ સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી.

(8:52 pm IST)