Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

એરપોર્ટ ઉપર ટ્રમ્પ દંપતિનું લાલ જાજમ પર સ્વાગત થશે

ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી ભાતીકલા દેખાશે : એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના રોડ શોમાં ભારતના અલગ અલગ રાજ્યોના કલાકારો જોરદાર પરફોર્મ કરશે

અમદાવાદ, તા.૨૧ : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને તેમના પત્ની મલાનિયા ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર તા.૨૪મી ફેબ્રુઆરીએ લાલ જાજમ, શંખનાદ અને શરણાઇના સૂર સાથે ભારે ભાવભર્યું અને ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવશે. ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી ભાતીગળ પરંપરા પ્રમાણે ટ્રમ્પ દંપતીનો ભારે આદર સત્કાર કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજય સરકારના તંત્ર દ્વારા ટ્રમ્પ દંપતીના સ્વાગતને લઇને પણ તડામાર તૈયારીઓ અને આયોજન ચાલી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ અને તેની ફરતેના સમગ્ર વિસ્તારમાં સુરક્ષાની લોખંડી વ્યવસ્થા ખડકી દેવાઇ છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મલાનીયા ટ્રમ્પના સ્વાગત માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ એરપોર્ટ પર જાય તેવી પૂરી શકયતા છે અને તે કારણથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ પહેલાં જ ગુજરાતમાં પધારે તેવી શકયતા છે.

           ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મલાનિયાનું અમદાવાદ એરપોર્ટ પર ૧૫૦ ફૂટ પહોળી લાલ જાજમ અને ૧૯ કલાકારોના શંખનાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તા.૨૪ ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગે એરફોર્સ વન વિમાનમાં સીધા જ અમેરિકાથી અમદાવાદ આવી રહેલા ટ્રમ્પ અને તેમના પત્ની મલાનિયાને આવકારવા માટે અમદાવાદ એરપોર્ટ પર લાલ જાજમની બંને બાજુ ૧૧૬ કલાકારો બેડાં નૃત્ય, ઢોલ ભૂંગળી શરણાઈ, ફૂલ મંડળી, નનૈયા ઢોલ, જેવા પરંપરાગત ગુજરાતી કાર્યક્રમ યોજવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ ૧૪ ગ્રુપના ૨૫૦થી વધુ કલાકારો પણ નૃત્ય કરીને ટ્રમ્પ દંપતીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના રોડ શો માં ભારતના અલગ અલગ રાજ્યના કલાકારો દ્વારા ૨૮ જેટલા સ્ટેજ પર પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવશે. જેને લઇને તડામાર તૈયારીઓ અને રિહર્સલ ચાલી રહ્યા છે.

(8:28 pm IST)