Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કાગળનું વિમાન ઉડાવવા વર્લ્ડ ચેમ્પિયનશીપનું આકર્ષણ રહ્યું

રેડબુલ પેપર પ્લેન વિંગ્સ ચેમ્પિયનશીપ યોજાઇ : ૧૦-૧૨ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

અમદાવાદ,તા.૨૨ : ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ડીએઆઇઆઇસીટી)ગાંધીનગર ખાતે આજે રેડબુલ દ્વારા કાગળનું પ્લેન બનાવી ઉડાડવાની એક અનોખી વર્લ્ડ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીએઆઇઆઇસીટી સહિત દસથી બાર કોલેજના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ કાગળનું વિમાન ઉડાડી બાળપણની યાદ તાજી કરી હતી. કોલેજેના વિદ્યાર્થીઓએ કાગળનું વિમાન ઉડાડી બાળપણમાં કાગળમાંથી જાતે વિમાન બનાવી હવામાં ઉડાવતા હતા તે દિવસો યાદ કરી તેની એક અલગ મજા ફરી એકવાર માણી હતી. ડીએઆઇઆઇસીટી ખાતે યોજાયેલી રેડબુલ પેપર પ્લેન વીંગ્સ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સેંકડો વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધાના અંતે આર્શ ફેફર અને કુલદીપ બારોટ વિજયી ઉમેદવાર જાહેર કરાયા હતા. રેડબુલ પેપર પ્લેન વીંગ્સ વર્લ્ડ ચેમ્પિયનશીપ વિશ્વના ૬૧થી વધુ દેશોમાં યોજાઇ રહી છે, જેમાં દુનિયાભરની ૩૮૪થી વધુ યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. ભારતમાં પણ અમદાવાદ શહેર સહિત દસ જેટલા શહેરોમાં આ પેપર પ્લેન વીંગ્સ વર્લ્ડ ચેમ્પિયનશીપ યોજાઇ રહી છે. અમદાવાદમાં આજે ગાંધીનગર સ્થિત ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ડીએઆઇઆઇસીટી) ખાતે કાગળનું પ્લેન બનાવી ઉડાડવાની અનોખી વર્લ્ડ ચેમ્પિયનશીપ યોજાઇ હતી. જેમાં ડીએઆઇઆઇસીટી સહિત દસથી બાર અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પણ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ભારે ચિચિયારીઓ અને બૂમો પાડી એકબીજાનો જોશ વધાર્યો હતો અને કાગળના પ્લેન ઉડાવી સૌથી લાંબા અંતર સુધી ફેંકવાની તેમ જ હવામાં મહત્તમ સમય સુધી ઉડે તે પ્રકારની બે અલગ-અલગ કેટેગરીમાં કાગળના વિમાન ઉડાવ્યા હતા. સમગ્ર દિવસ દરમ્યાન ચાલેલી સ્પર્ધાના અંતે આર્શ ફેફર અને કુલદીપ બારોટ વિજયી ઉમેદવાર જાહેર થયા હતા. જેમણે સૌથી લાંબા અંતર સુધી પ્લેન ફેંકી, હવામાં પણ મહત્તમ સમય સુધી તેનું વિમાન રાખ્યું હતું. રેડબુલ દ્વારા હવે તેના ખર્ચે આ વિજેતા ઉમેદવારોને એપ્રિલ મહિનામાં યોજાનારી ભારત દેશની રેડબુલ પેપર પ્લેન વીંગ્સ વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઇનલમાં મોકલાશે અને તેમાં જે વિજયી બનશે તે ઉમેદવારને રેડબુલ પોતાના ખર્ચે તે પછીના તબક્કામાં ઓસ્ટ્રિયા દેશમાં રેડબુલ પેપર પ્લેન વીંગ્સ વર્લ્ડ ચેમ્પિયનશીપની વિશ્વસ્તરની ફાઇનલમાં ભાગ લેવા મોકલશે. રેડબુલની આ અનોખી સ્પર્ધા અને ઓફરને ઉપસ્થિત વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ અને હકારાત્મક વલણ સાથે આવકારી હતી અને રેડબુલનો આભાર માન્યો હતો. રેડબુલ પેપર પ્લેન વીંગ્સ વર્લ્ડ ચેમ્પિયનશીપની આજની સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

(10:08 pm IST)