Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રૂપાણી તમારી સરકાર ખોટ કરે છે તો પગાર પંચનો ફાયદો કેમ

શકિતસિંહ ગોહિલના ટવીટ્થી રાજકારણ ગરમાયું : જે નિગમ ખોટ કરે તેના કર્મીઓને પગારપંચનો લાભ ના મળે પરંતુ નુકસાન માટે તમે જ જવાબદાર છો : શક્તિસિંહ

અમદાવાદ,તા. ૨૨: પડતર માગણીઓ અને સાતમાં પગારપંચ મુદ્દે ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે ત્યારે ગઈકાલે સીએમ રૂપાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે સરકારની પોલીસીની આધારે જે બોર્ડ નિગમ નુકસાન કરતું હોય એના કર્મચારીઓને પગારપંચનો લાભ આપતા નથી. જેને લઈ હવે કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કર્યું છે કે, સરકારી કર્મચારીને રૂપાણીજી તમે કહો છો કે, નિગમ નુકસાન કરે તેને પગાર પંચનો લાભ ન મળે તો તમારી સરકાર ખોટ કરે છે, દેવું દર વર્ષે લાખો રૂપિયાનું વધે છે છતાં તમે અને તમારા મંત્રીઓએ પગાર વધારો અને પગારપંચનો લાભ કેમ લીધો? નિગમનો વહીવટ તમે કરો છો. ખોટ માટે તમે જ છો જવાબદાર. કોંગ્રેસના સિનિયર નેતા શકિતસિંહ ગોહિલના આ ટવીટ્ને લઇ હવે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને એસટી કર્મચારીઓની હડતાળ આજે સતત બીજા દિવસે યથાવત્ રહી છે ત્યારે કોંગી નેતાના આ ટવીટે ભાજપ સરકારની મુશ્કેલીમાં બળતામાં જાણે ઘી હોમ્યું છે. કોંગ્રેસના નેતા શકિતસિંહે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પર જ સીધા પ્રહાર કરી ટવીટ્ મારફતે તેમને નિશાન બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને ૨.૧૭ લાખ કરોડ થયું છે, જે રાજ્યના કુલ બજેટની સમકક્ષ આવી ગયું છે. એટલું જ નહીં, સરકારે છેલ્લા બે વર્ષમાં દેવાં પેટે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે. વિધાનસભામાં રાજ્યના નાણા વિભાગે આપેલી માહિતી પ્રમાણે, માર્ચ-૨૦૧૮ની સ્થિતિએ જાહેર દેવું ૨,૧૭,૩૩૮ કરોડ રૂપિયા થાય છે. સપ્ટેમ્બર ૨૦૧૮માં રાજ્યના ધારાસભ્યોના પગાર ૭૦,૭૨૭થી વધારીને ૧,૧૬,૩૧૬ અને મંત્રીઓના પગારમાં ૪૫ હજારનો વધારો કરી ૮૭માંથી ૧ લાખ ૩૨ હજાર કરવામાં આવ્યો છે. આમ પગારમાં ૬૫ ટકાનો વધારો કરી પ્રજા પર વધુ એક બોજ ઝીંકવામાં આવ્યો હતો. જેને લઇ કોંગ્રેસના સિનિયર નેતાએ ઉપરમુજબ ચાબખા મારતી પ્રતિક્રિયા આપી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.

(10:03 pm IST)