Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ગુજરાત : એસટીની હડતાળ બીજા દિવસેય યથાવત્ જારી

બીજા દિવસે લાખો મુસાફરો હાલાકી વેઠવા મજબૂર : સરકારની એસટી કર્મીઓને ફરજ પર હાજર થવા નોટિસ હાજર ન થાય તો સસ્પેન્સનની ચિમકીઃખાનગી સેવા શરૂ

અમદાવાદ,તા.૨૨ : સાતમા પગાર પંચનો લાભ સહિતની પડતર માંગણીઓને લઇ એસટી કર્મચારીઓની હડતાલ આજે સતત બીજા દિવસે પણ યથાવત્ રહી હતી, જેના કારણે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લાખો મુસાફરોને જોરદાર હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જો કે, રાજય સરકાર એસટી કર્મચારીઓએ હડતાળ પાડી નિર્દોષ પ્રજાજનોને બાનમાં લેવાના વલણની ગંભીર નોંધ લઇ આકરું વલણ અપનાવ્યું છે અને સરકાર તરફથી હવે એસટી કર્મચારીઓને એક તાકીદની નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં તેઓને ફરજ પર હાજર થવા સ્પષ્ટ નિર્દેશો અપાયા છે અને જો ફરજ પર હાજર નહી થાય તો તેઓને સસ્પેન્ડ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જો કે, એસટી કર્મચારી યુનિયન તરફથી સરકાર તરફથી અપાયેલી નોટિસને ફગાવી દેવાઇ હતી. બીજીબાજુ, સરકારે એસટી કર્મચારીઓની હડતાળને પગલે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લોકોની ઇમરજન્સી ટ્રાન્સપોર્ટ સેવા ચાલુ થઇ શકે તે માટે ખાનગી વાહનો અને વોલ્વોની સેવા શરૂ કરી દેવામાં આવી હતી. એસટી કર્મચારીઓએ આજેે હડતાળના સતત બીજા દિવસે આક્રમક વિરોધ પ્રદર્શન કરી પડતર માંગણીઓ નહીં સ્વીકારાય તો આર યા પાર, સરકાર સામે લડી લેવાના મુડમાં હોવાના સાફ સંકેત આપ્યા હતા. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી જીલ્લાના મોડાસા, બાયડ અને ભિલોડા સહિતના અનેક એસટી ડેપોમાં કર્મચારીઓએ એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યા હતા. સરકાર દ્વારા એસટી કર્મચારીઓની માંગને લઈને હડતાલ રૂપી આંદોલનને તોડી નાખવા ખાનગી બસનો સહારો લેતા કર્મચારીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે. સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો અપાયા હતા. સુરત-અમદાવાદ સહિત ઘણા સ્થાનો પર કર્મચારીઓએ અર્ધનગ્ન થઈ સુત્રોચ્ચાર કર્યા હતા. ભિલોડા તાલુકામાં આજે એસટી ડેપોના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ વિજય રૂપાણીના પૂતળા સાથે ઢોલ-નગારા સાથે મુખ્યમાર્ગ પર રેલી કાઢી ચક્કાજામ કરતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના પૂતળાનું દહન કરે તે પહેલા પોલીસે પૂતળા દહન અટકાવ્યું હતું. જો કે, મોડાસા એસટી ડેપોમાં વિજય રૂપાણી હાય હાય અને નીતિન પટેલ હાય હાયના નારા લાગ્યા હતા. એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ બુધવારે મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં હતાં, જેના કારણે નોકરી-ધંધા કે અન્ય પ્રસંગોએ એસટી બસમાં પ્રવાસ કરતા લાખો મુસાફરો રઝળી પડ્યા હતા. ખાનગી વાહન સંચાલકોએ મુસાફરોની મજબૂરીનો લાભ લઇને બમણાં ભાડાં વસૂલી તેમની પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી હતી. એટલું જ નહી, એસટીની હડતાળના કારણે હજારો મુસાફરો રેલ્વે-ટ્રેન તરફ વળ્યા હતા તો, રેલ્વે સ્ટેશનો પર પણ મુસાફરોની લાંબી લાઇનો અને ભીડ જોવા મળી રહી છે. ટૂંકમાં, એસટી નિગમના કર્મચારીઓની હડતાળ અને એસટી વ્યવહાર ઠપ્પ થઇ જવાથી સામાન્ય જનજીવને અસર પહોંચી હતી. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો હતો. ગામડાની જનતા સૌથી વધુ હેરાન થઇ છે.  અમદાવાદ સહિત રાજયના ૧૬થી વધુ ડિવીઝનના ૪૫ હજારથી વધુ કર્મચારીઓ સામૂહિક હડતાળ પર ઉતરી ગયા છે અને રાજયની ૪૭ હજારથી વધુ ટ્રીપો રદ થઇ ગઇ છે. જેના કારણે સમગ્ર રાજયમાં એસટી વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. એસટીની સતત બીજા દિવસની હડતાળના કારણે આશરે ૨૫ લાખથી વધુ મુસાફરો રઝળી પડયા છે.

ખાસ કરીને વિદ્યાર્થીઓ, ધંધા-રોજગાર કરતા લોકો, અપડાઉનવાળા અને માસિક પાસધરાવતા કર્મીઓ સહિતના લાખો લોકો આજે જબરદસ્ત હાલાકીનો ભોગ બન્યા હતા. મજૂરમહાજન, સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન, એસટી કર્મચારી મંડળ, ઇન્ટુક અને ભારતીય મજદૂર સંઘ વતી બનેલી સંકલન સમિતિ દ્વારા આ હડતાળનું એલાન અપાયું છે. આજના આંદોલનમાં રાજ્યભરના ૪પ હજાર કર્મચારીઓ જોડાયા હોવાનો સમિતિએ દાવો કર્યો છે.

(10:01 pm IST)