Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

એસટી અને શિક્ષકોના પ્રશ્નો માટે પ્રધાનોની કમીટીની રચના

બંને ક્ષેત્રના કર્મચારીઓને આંદોલન પાછુ ખેંચવા મુખ્યમંત્રીની અપીલ : સમિતિમાં નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ અને ફળદુ : કમીટીને લોલીપોપ ગણાવતા યુનિયન નેતાઓ : પરેશ ધાનાણી અને કોંગ્રેસના ધારાસભ્યો પહોંચી ગયા આંદોલનકારીઓની વ્હારે

ગાંધીનગર તા. ૨૨ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમાં એસ ટી કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના હાલ ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે ૩ મંત્રીઓની કમિટીની રચના કરી છે. તે કમીટી પૈકી નાયબ મુખ્યમંત્રીએ આજે બપોર બાદ એસટી નિગમના પ્રતિનિધિઓને મળવા બોલાવ્યા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ કૃષિ મંત્રી આર સી ફળદુ અને  શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આ કમિટિ આંદોલનકારી કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે અને પ્રજાવર્ગોને આ આંદોલનને કારણે પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વાટાઘાટના ટેબલ પર બેસી સાથે મળી ચર્ચા વિચારણા કરી સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવશે.

મુખ્યમંત્રી એ કર્મચારી મંડળોને પણ અનુરોધ કર્યો છે કે સરકારે ભૂતકાળમાં અને હાલ પણ વાતચીત વાટાઘાટો થી  સમસ્યાઓ નિવારવાની ભૂમિકા નિભાવી જ છે ત્યારે આંદોલનકારી કર્મચારીઓ આ કમિટી સાથે વાતચીત અંગે સકારાત્મકતાથી વાટાઘાટો  માટે આગળ આવે.

આંદોલનકારી કર્મચારીઓ પણ પ્રજાને તેમના આંદોલનથી પડી રહેલી મુશ્કેલી  દૂર થાય અને સમાજનું વ્યાપક હિત જળવાય તે હેતુસર  આંદોલન પાછું ખેંચે અને પ્રજાને મદદરૂપ થાય તેવી અપીલ પણ વિજયભાઈ રૂપાણીએ કરી છે.(૨૧.૨૭)

 

(4:21 pm IST)