Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

હડતાલ, હડતાલ...છતા નહિ દરકારઃ આંદોલનકારીઓથી ઘેરાતી સરકાર

એક સાથે ૪ મોરચા સામે આવ્યા હોય તેવી તવારીખી ઘટનાઃ પ્રજા પારાવાર પરેશાનઃ સરકારની ક્ષમતા મપાવા લાગી : હજારો આરોગ્ય કર્મચારીઓ અઠવાડિયાથી હડતાલ પરઃ બે દિ'થી એસ.ટી. બસના પૈડી થંભી ગયાઃ શિક્ષકોનો સત્યાગ્રહઃ સસ્તા અનાજના દુકાનદારોએ શટર પાડી દીધા

રાજકોટ, તા. ૨૨ :. રાજ્યની વિજય રૂપાણી સરકાર સામે સરકાર સાથે સંકળાયેલા કર્મચારીઓ અને વ્યવસાયીઓએ લોકસભાની ચૂંટણી ટાણે જ આંદોલનના નગારા ધણધણાવતા સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચેના પ્રશ્નમાં પ્રજાની સેન્ડવીચ થઈ ગઈ છે. એક સાથે આંદોલનના ચાર - ચાર મોરચા સરકાર સામે પડયા હોય તેવી ઘટના ઉડીને આંખે વળગે તેવી છે. આ પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળ અને આગળ કોની ભૂમિકા છે ? તે અલગ તપાસનો વિષય છે. વિધાનસભા સત્ર ચાલુ હોવાથી આજે સત્યાગ્રહી સંગઠનોએ ગાંધીનગરમાં ધામા નાખી સરકારને ભીડવવાનો પ્રયાસ કર્યો છે. એક સાથે ચાર - ચાર મોરચે હડતાલ શરૂ થઈ જાય અને સેંકડો લોકો તેનાથી ત્રસ્ત બની જાય ત્યાં સુધી સરકારે શું કર્યુ ? તે મહત્વનો સવાલ છે. જો કર્મચારીઓની માંગણી વ્યાજબી હોય તો સ્વીકારવામાં શું વાંધો છે ? અને વ્યાજબી ન હોય તો હડતાલ સમાપ્ત કરાવવા માટે સરકાર પાસે કોઈ ઉપાય નથી ? તેવો સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે.

રાજ્યના પંચાયતમાં ફરજ બજાવતા હજારો આરોગ્ય કર્મચારીઓ અઠવાડીયાથી હડતાલ પર જતા ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સેવા ખોરવાઈ ગઈ છે. લોકો પર રોગચાળાનુ જોખમ વધ્યુ છે. સરકારના મનમાં આ હડતાલની કોઈ ગંભીરતા ન હોય તેવો ખ્યાલ ઉપસે છે. રાજ્યના ૩૫૦૦૦થી વધુ કર્મચારીઓ હડતાલ પર હોવાનો કર્મચારી મહાસંઘનો દાવો છે. ૮૦૦૦ જેટલી એસ.ટી. બસના પૈડા બે દિવસથી થંભી ગયા છે. આ હડતાલ પણ વારંવારની રજૂઆત અને ચેતવણી પછીની છે. સેંકડો મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાનગી વાહન ચાલકોને મુસાફરોને મન ફાવે તેમ લૂંટવાનો મોકો મળી ગયો છે. મુખ્યમંત્રીના નિવેદન બાદ એસ.ટી. યુનિયને ૨૪ કલાકની હડતાલને બેમુદતી જાહેર કરી દીધી છે.

પ્રાથમિક શિક્ષકો પણ લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે તેની સીધી અસર શિક્ષણ પર પડી છે. આજે શિક્ષકોએ ગાંધીનગરમાં વિધાનસભાને ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો છે. સસ્તા અનાજના દુકાનદારોએ બે દિવસની હડતાલ રાખી છે તેનાથી ગરીબ લોકો સસ્તા અનાજની દુકાનેથી મળતી ચીજવસ્તુઓ મેળવી શકતા નથી.

મોટા જનસમુહને અસર કરતી એક પછી એક હડતાલ શરૂ થવા લાગી છતા સરકાર હડતાલ મોકુફ રખાવવા માટે કે ત્વરીત પુરી કરાવવામાં સફળ થઈ નથી. કર્મચારીઓ સરકારના હાથપગ છે તે બાબત સરકાર જાણે છે. હડતાલને નિવારી શકાય તેવુ કોઈ તંત્ર સરકાર પાસે નથી ? હડતાલ, હડતાલ... છતા સરકાર જાણે બેદરકાર ! આંદોલનકારીઓથી સરકાર ઘેરાઈ રહી હોય તેવુ દેખાય છે. સરકારમાં મજબુત નેતૃત્વનો અને યોગ્ય સંકલનનો અભાવ હોવાનું લોકોને દેખાઈ રહ્યુ છે. બે બળીયાઓ વચ્ચેની લડાઈમાં પ્રજાનો શું વાંક ? તે સવાલ મહત્વનો છે.(૨-૧૯)

(2:58 pm IST)