Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

મોટા મગરમચ્છોને જાળમાં સપડાવા માટે એસીબીની ફોજ સજ્જઃ કેશવકુમાર

ચાલુ વર્ષે પણ લાંચીયાઓ સામેનો જંગ જીતવાની રણનીતીના ભાગરૂપે જામનગરના એન. કે. વ્યાસને રાજકોટ રૂરલમાં, સુરેન્દ્રનગરના એમ.બી.જાનીને મોરબી સહિત રાજકોટનો હવાલો તથા પાટણના આચાર્યને રાજકોટ શહેર એસીબીના હવાલા સાથે મહત્વના ફેરફારો અમલમાં મુકાયા : ર૦૧૩-૧૪ થી બમણા કહી શકાય તેવા કલાસ-૧ અને કલાસ-રના અધિકારીઓ એસીબી સકંજામાં: કાયદાકીય જંગમાં પણ પરાસ્ત કરીશું: 'અકિલા' સાથે ગુજરાતના એસીબી વડાની વાતચીત

રાજકોટ, તા., ૨૨: રાજયના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ઇતિહાસમાં સૌ પ્રથમ વખત લાંચીયાઓ સામે જંગ છેડી નાના-નાના સ્ટાફને પકડીને સંતોષ માનવાને બદલે મસમોટા કૌભાંડો કરી કરોડો રૂપીયા કમાતા અને પોતાને કોઇ આંચ પણ નહિ આવે તેવી રીતે વર્તતા મોટા મગરમચ્છોને (કલાસ-૧, કલાસ-ર) અધિકારીઓને ગત વર્ષ દરમિયાન સકંજામાં લઇ ૧ર૩ જેટલા ટોચના અધિકારીઓને એસીબીની જાળમાં ફસાવ્યા હતા. નવાઇની વાત એ છે કે ર૦૧૩ અને ૧૪ માં જે આંક હતો તેનાથી બેવડાઇ ગયો છે.  ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં કેશવકુમારે જણાવ્યું હતું કે અમે આનાથી સંતોષ માનવાને બદલે ચાલુ વર્ષે પણ મોટા મગરમચ્છોની સંખ્યા વધે તે માટે કેટલીક ચોક્કસ રણનીતી વિચારી રાખી છે. એસીબીના કેસો કરી સંતોષ માનવાને બદલે આવા મોટા મગરમચ્છો કાનુની સકંજામાંથી ન છટકે તે માટે કાનુનવિદો સાથે ફોરેન્સીક એક્ષપર્ટની પણ મદદ લેવાનું અભિયાન ચાલુ રાખશું.

ઉકત રણનીતીના ભાગરૂપે એસીબીને રાજયભરમાં વધુ સુદ્રઢ બનાવવા એસીબી પીઆઇના કેટલાક આંતરીક ફેરફારો પણ કરવામાં આવ્યા છે. જે મુજબ પોરબંદરના એન.એચ.જાડેજાને જામનગર એસીબી (દ્વારકા)ના વધારાના ચાર્જ સાથે એન.કે.વ્યાસ જામનગરને રાજકોટ ગ્રામ્ય, ઝેડ. જી.ચૌહાણ  ભાવનગરથી સુરેન્દ્રનગર, એમ.બી.જાની સુરેન્દ્રનગરથી મોરબી (રાજકોટ શહેર એસીબીના વધારાના હવાલે સાથે), બી.પી.ગાધર બોટાદથી ભાવનગર (અમરેલી એસીબી પોલીસ સ્ટેશન તથા વડોદરાના વધારાના ચાર્જ સાથે), પાટણના એસ.એચ.આચાર્યને રાજકોટ શહેર, ગાંધીધામના પી.વી.પરગડુને રાજકોટ એકમ રાજકોટ, ભુજના એમ.ડી.ઝાલાને કચ્છ પુર્વ એસીબી ગાંધીધામનો વધારાનો હવાલો, આર.જી.ચૌધરી હિંમતનગરથી લુણાવાળા, અન્ય ૧૬ હુકમો સાથે જે અન્ય ૪ વધારાના ચાર્જ માટે હુકમ થયા છે.  તેમાં જુનાગઢ એસીબીના ડી.ડી.ચાવડાને સોમનાથ તથા પોરબંદર એસીબીનો વધારાનો હવાલો સુપ્રત કરી લાંચીયાઓ સામે જંગની તૈયારીઓ પુરજોશમાં ચાલતી હોવાનો સંકેત આપ્યો છે.  ગત વર્ષ દરમિયાન કલાસ-૧ અને કલાસ-રના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સામે એસીબી દ્વારા જાળ બિછાવી કાયદાના સકંજામાં લેવાયા તેમાં ગુજરાત જમીન વિકાસ નિગમના સુપર કલાસ-૧ કે.એસ.દેત્રોજા તથા તેની અધધ મિલ્કતો સાથે ઇન્કમ ટેકસના અધિકારી શ્રી મીના કે જેના વતી સીએ દંપતીએ લાંચ સ્વીકારી તે બાબત ખુબ ચર્ચાસ્પદ રહી હતી. (૪.૨)

(12:17 pm IST)