Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

વિધાનસભા તરફ જતા હજારો પ્રાથમિક શિક્ષકો : અટકાયત

ફિકસ પગારના શિક્ષકની નોકરી સળંગ ગણવી... પગાર, નવી ભરતી સહિતના પ્રશ્નોને ઘેરાવ કરવાઃ સેંકડો શિક્ષક નેતાઓની અટકાયત : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના હજારો શિક્ષકો ગાંધીનગર ભણી ગયા

રાજકોટ,તા.૨૨ : સરકાર સામે રાજયના વિવિધ કર્મચારીઓ તેની પડતર માંગણીને લઈને આંદોલન કરી રહ્યા છે ત્યારે એસટી કર્મચારીઓ બાદ આજે પ્રાથમિક શિક્ષકોએ પણ વિધાનસભાને ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપ્યો છે. સવારથી હજારો પ્રાથમિક શિક્ષકો વિધાનસભા તરફ જઈ રહ્યા છે. પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. શિક્ષક નેતાઓની ધરપકડ કરવામાં આવી રહી છે.

 

૨૦૧૯ની ચૂંટણી આવતા પહેલા તો સરકાર પાસે કર્મચારીઓ પોતાની માંગણી સંતોષાઇ જાય તેવું આંદોલન ચલાવી રહ્યા છે. એસટીનાં કર્મચારીઓએ સાતમા પગાર પંચની માંગ સાથે હડતાળ પર છે ત્યારે આજે સરકારી પ્રાથમિક શિક્ષકો માસ સીએલ પર ઉતરીને વિધાનસભાને ઘેરવા તૈનાત થયા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે રાજયના સવા બે લાખ શિક્ષકો આજથી હડતાળ પર ઉતરશે તેમજ શિક્ષકો આજે એક દિવસની રજા રાખી છે.

જયારે સૌરાષ્ટ્રના ૧૦ હજારથી વધુ શિક્ષકો જોડાયા છે. રાજકોટમાં ૧ હજારથી વધુ શિક્ષકો પ્રમુખ રતુભાઈ ચાવડાના નેતૃત્વમાં ગાંધીનગર ઘેરાવના કાર્યક્રમમાં ગયા હોવાનું જાણવા મળે છે.

હડતાળમાં અમદાવાદ જિલ્લાના ૭ હજાર શિક્ષકો જોડાયા. પડતર માગણીઓને લઈને આજે રાજયભરના શિક્ષકો વિધાનસભાનો ઘેરાવો કરશે. શિક્ષકોની માગ છે કે, ૧૯૯૭થી ફિકસ પગારના શિક્ષકોની નોકરીને સળંગ ગણવામાં આવે, અલગ ગ્રેડ પે, નવી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે, સાતમા પગાર પંચની ભલામણોનો અમલ વગેરે માંગો મૂકવામાં આવી છે.

ઉપરાંત પ્રાથમિક શિક્ષકોની માંગ છે કે ૧૯૯૭થી અત્યાર સુધી ભરતી થયેલ તમામ શિક્ષકોને સીનિયોરિટી, બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવે. પ્રાથમિક શિક્ષકોને ટ્રીપલ સી પરીક્ષામાંથી મુકિત આપવામા આવે. પ્રાથમિક શિક્ષકોની ફરિયાદ છે કે વિદ્યાસહાયકો શરૂઆતનાં પાંચ વર્ષ ઓછા પગારમાં કામ કરે છે. પાંચ વર્ષની નોકરીને સીનિયોરિટી ,બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણમાં ગણવામા આવેલ નથી.

તમામ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક સ્કૂલોના અંદાજે ૨ લાખથી વધુ પ્રાથમિક શિક્ષકો માસ સીએલ પર જશે. જયારે ૧૦ હજારથી વધુ શિક્ષકો ગાંધીનગરમાં ચાણકયભવનથી વિધાનસભા સુધી રેલી યોજી વિધાનસભામાં સરકારનો ઘેરાવો કરવા ઉમટી પડ્યા છે. પ્રાથમિક શિક્ષક સંઘની માંગ છે કે સરકાર વિદ્યાર્થીઓને ભણાવવા સિવાયની અન્ય તમામ કામગીરીમાંથી મુકિત આપે,પ્રાથમિક શિક્ષકો પાસે ચૂંટણીથી માંડી સરકારની તમામ યોજનાઓ, સરકારી કાર્યક્રમોમાં ફરજીયાત કામ કરાવવામા આવે છે.

શિક્ષકો દ્વારા વિધાનસભા ઘેરાવની ચીમકીનો મામલે પોલીસ સતર્ક થઈ છે અને શિક્ષકોને રોકવા પોલીસનો એકશન પ્લાન ઘડી કાઢ્યો છે. વૈષ્ણોદેવી સર્કલથી વિધાનસભા સુધી ગોઠવાયો ચૂસ્ત બંદોબસ્ત. સવારથી જ પોલીસ કાફલો ખડકી દેવાયો છે. કોઈપણ શિક્ષકને વિધાનસભા સુધી નહિ પહોચવા દેવા આદેશ કરવામાં આવ્યો છે. જોકે મોડી રાત્રે રાજય સરકારના ઈશારે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રમુખ સહિતના અન્ય હોદ્દેદારોની અટકાયત કરવામા આવી છે. રાજય સરકારના ઈશારે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સહિતના અન્ય હોદ્દેદારોની અટકાયત કરીને આંદોલનને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સહિતના અન્ય હોદ્દેદારોની અટકાયત કરીને આંદોલનને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.(૩૭.૬)

(12:16 pm IST)