Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

સુરત કોંગ્રેસના કોર્પોરેટર નીલેશ કુંભાણી સહીત પાંચ લોકો વિરુદ્ધ મારામારીની ફરિયાદ:ચકચાર

ફેસબુકમાં કોમેન્ટ મુદ્દે ફાર્મહાઉસમાં મળવા બોલાવ્યો અને લમધાર્યો

સુરત કોંગ્રેસના કોર્પોરેટર નિલેશ કુંભાણી વિવાદમાં આવ્યા છે. એક યુવકે આ કોર્પોરેટર સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે.મળતી વિગત મુજબ  નિલેશ કુંભાણી વિરુદ્ધ એક યુવકે ફેસબૂકમાં કમેન્ટ કરી હતી અને આ કમેન્ટને લઇને આ યુવકને કોર્પોરેટર નિલેશ કુંભાણીના ફાર્મ હાઉસમાં મળવા માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યારે યુવક કોર્પોરેટરને મળવા માટે પહોંચ્યો ત્યારે કેટલાક ઇસમોએ તે યુવકને ઢોર માર માર્યો હતો

  . આ ઘટના બાદ ભોગ બનનાર યુવકે સરથાણા પોલીસ સ્ટેશનના કોર્પોરેટર નિલેશ કુંભાણી સહીત પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જેના કારણે હવે આગામી દિવસોમાં સરથાણા પોલીસ દ્બારા નિલેશ કુંભાણીની ધરપકડ કરવામાં આવે તો નવાઈ નહીં.

   આ બાબતે નિલેશ કુંભાણીએ મીડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, કેટલાક રાજકીય લોકોના ઇશારે કેટલાક ઇસમો ફેસબૂક પર ગમે તેવી કમેન્ટ કરતા હતા, આ વાત જ્યારે મારા કાર્યકર્તાઓને જાણવા મળી ત્યારે તેમણે કમેન્ટ કરનારાઓને મળવા માટે બોલાવ્યા હતા. જ્યારે તે લોકો મારા કાર્યકર્તાઓને મળવા માટે આવ્યા હતા ત્યારે તેઓએ મારા મારીની શરૂઆત કરી હતી. આ સમગ્ર મામલે કોનો હાથ છે એ અમને ખબર પડી ગઈ છે. હવે આગામી દિવસોમાં અમે તેના પર કાયદાકીય કાર્યવાહી કરીશું.

(10:53 pm IST)