Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

અમદાવાદ હાઇવે પર ટ્રક-કાર વચ્ચે ગોઝાર અકસ્માતમાં ચાલક સહીત બે ઈજાગ્રસ્ત

પાલનપુર:અમદાવાદ હાઈવે ઉપર મંગળવારની રાત્રે ટ્રક અને કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલક સહિત અન્ય એક કારમાં ફસાઈ જતા ભારે જહેમત બાદ કારની બહાર કઢાયા હતા અને સારવારઅર્થે સિધ્ધપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીયત નાજુક જણાતા વધુ સારવારઅર્થે મહેસાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના ધારેવાડા હાઈવે ઉપર મંગળવારની મોડી રાત્રે એક કાર પાલનપુર તરફથી આવી રહી હતી. જેની પાછળ ચુનો ભરી આવતી ટ્રકની બ્રેક ફેઈલ થતાં આગળ જતી કારની ધડાકાભેર ટકરાવા સાથે સો ફૂટ સુધી ઢસડી ગઈ હતી જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર શૈલેષભાઈ ગણેશભાઈ પટેલ અને શિવરામભાઈ ગંગારામ પટેલ રહે. મહેસાણાવાળા ફસાઈ જતા બુમાબુમ કરી મુકી હતી. આ ઘટનાની જાણ થતા છાપી પી.એસ.આઈ. એમ.એમ. દેસાઈ, તરૃણભાઈ અને યાસીફ પટેલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બન્ને ક્રેઈન બોલાવી ક્રેઈનની મદદથી બહાર કાઢી ૧૦૮માં સારવારઅર્થે સિધ્ધપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબિયત નાજુક જણાતા વધુ સારવારઅર્થે મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ટ્રક અને કારના અકસ્માતમાં કારની હાલત જોતા બન્નેનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

 

 

(5:33 pm IST)